મુખ્ય હાઇલાઇટ્સ:
- ધરપકડ: ધારી કોર્ટના ત્રણ ક્રિમીનલ ટાર્ગેટ કેસોના પકડ વોરંટમાં ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી મનોજ ઉર્ફે મુન્નો વાઘેલા ઝડપાયો.
- ઓપરેશન: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે બાબરા તાલુકાના ખાનપર ગામની સીમમાંથી દબોચ્યો.
- ઉચ્ચ નિર્દેશ: ભાવનગર રેન્જ આઈજીપી અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચનાથી નાસતા ફરતા ગુનેગારો સામે વિશેષ ઝુંબેશ.
- આગળની કાર્યવાહી: પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી અને કોર્ટ હવાલે કરવા ધારી પોલીસ સ્ટેશન સોંપાયો.
રેન્જ આઈજીપી અને અમરેલી એસપીના આદેશથી ખાસ ઝુંબેશ
ભાવનગર રેન્જના આઈજીપી આર.વી.અસારી નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ આચરીને કાયદાની પકડથી ભાગતા ફરતા આરોપીઓ તેમજ કોર્ટના વોરંટના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ કડક સૂચનાઓ આપી હતી. આ આદેશ અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે એલસીબી સહિતની ટીમોને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ત્રણ ક્રિમીનલ કેસોમાં ૧૦ વર્ષથી પોલીસને આપતો હતો હાથતાળી
ધારીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના વર્ષ ૨૦૧૫ના ક્રિમીનલ કેસ નંબર ૩૩૨/૨૦૧૫, ૩૩૩/૨૦૧૫ અને ૩૪૨/૨૦૧૫ એમ કુલ ત્રણ ગંભીર ક્રિમીનલ ટાર્ગેટ કેસોના પકડ વોરંટમાં છેલ્લા ૧૦ વર્ષથી એક આરોપી કાયદાથી બચીને નાસતો ફરતો હતો. અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલાની રાહબરી હેઠળની ટીમે આ ગુનેગારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ટીમ સફળ રહી હતી અને આરોપી મનોજ ઉર્ફે મુન્નો લાલજીભાઇ વાઘેલા (ઉંમર વર્ષ ૩૨, મૂળ રહે. પાંચવડા ગામની સીમ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, હાલ રહે. ખાનપર ગામની સીમ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી) ને ખાનપર ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને ધારી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે તેને ધારી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર દિલધડક ઓપરેશનને સફળ બનાવવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.વાઘેલા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરેશસિંહ પરમાર તેમજ હેડ કોન્સ્ટેબલ આદિત્યભાઇ બાબરીયા અને તુષારભાઇ પાંચાણી સહિતના સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
