મુખ્ય હાઇલાઇટ્સ:
- ચોરીનો ગુનો ઉકેલાયો: ધારી ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો વણશોધાયેલો ગુનો અમરેલી એલ.સી.બી. ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો.
- મુદ્દામાલ જપ્ત: રોકડ રકમ, સોનાનો ચેઇન, બુટી, મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૧૪,૯૧૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો.
- ત્રણ આરોપીઓ ઝડપાયા: રાજુલા અને ધારી તાલુકાના ૩ શંકાસ્પદ ઇસમોની સઘન પૂછપરછમાં ચોરીની કબૂલાત.
- આયોજનબદ્ધ ચોરી: મકાનની દીવાલ કૂદી દરવાજાનો આંગળીયો કોશથી તોડી કબાટમાંથી ચોરી આચરી હતી.
અમરેલી:
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધિત અણઉકેલાયેલા ગુનાઓ વહેલી તકે ડીટેક્ટ કરવા અપાયેલી ખાસ સૂચનાઓ અન્વયે અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ) ટીમને મોટી સફળતા મળી છે. એલ.સી.બી. ટીમે સઘન તપાસ અને ટેકનિકલ સોર્સના આધારે ધારી ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો વણશોધાયેલો ગુનો ડીટેક્ટ કરીને ત્રણ આરોપીઓને રૂ. ૧,૧૪,૯૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
શંકાસ્પદ ઇસમો રોકડ, દાગીના અને વાહન સાથે પકડાયા
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાના આરોપીઓની તપાસમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ત્રણ શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા તેમની પાસેથી રોકડા રૂ. ૧૬,૦૦૦, રૂ. ૬૬,૯૧૦ ની કિંમતનો ૨૪.૭૪ ગ્રામનો સોનાનો ચેઇન, રૂ. ૭,૦૦૦ ની કિંમતની સોનાની બુટીની એક જોડી, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતના ૨ મોબાઈલ ફોન તથા રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનું એક પેશન પ્રો મોટર સાયકલ (રજિસ્ટ્રેશન નંબર જીજે-૦૫-ડીકે-૫૨૬૨) મળીને કુલ રૂ. ૧,૧૪,૯૧૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
લાઇનપરા વિસ્તારમાં ઘરની દીવાલ કૂદીને કરી હતી ચોરી
પકડાયેલા ત્રણેય ઇસમોની કડક પૂછપરછ કરવામાં આવતા તેમણે ધારી ટાઉનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓએ જણાવ્યા મુજબ, ગત તા. ૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે સવા બારેક વાગ્યે તેઓ માલસીકા ગામથી ધારીના લાઇનપરા ખાતે ચોરી કરવા નીકળ્યા હતા. આરોપી અજયના ઘરેથી તાળા તોડવા માટે લોખંડની કોશ લઈને ધારી પહોંચ્યા હતા અને એક મકાનની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનના દરવાજાનો આંગળીયો કોશ વડે તોડી રૂમમાં રાખેલા કબાટમાંથી સોનાનો ચેઇન, સોનાની બુટી અને રૂ. ૨૧,૦૦૦ રોકડા ચોરી લીધા હતા. આ અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો.
પકડાયેલા આરોપીઓ અને કામગીરી કરનાર પોલીસ ટીમ
પોલીસે આ કેસમાં (૧) નિતિનભાઇ કાંતિભાઇ સોલંકી (ઉંમર વર્ષ ૨૨, રહે. મોટા આગરીયા, તા. રાજુલા), (૨) અજયભાઇ હિંમતભાઇ વાઘેલા (ઉંમર વર્ષ ૨૪, રહે. માલસીકા, તા. ધારી) અને (૩) જયરાજભાઇ રમેશભાઇ વાઘેલા (ઉંમર વર્ષ ૧૯, રહે. માલસીકા, તા. ધારી) ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા, એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ્ટેબલ જાહીદભાઇ મકરાણી, દશરથસિંહ સરવૈયા, ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હિમાસીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, યુવરાજસિંહ વાળા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
