મુખ્ય હાઇલાઇટ્સ:
- સફળ ઓપરેશન: અમરેલી સિટી પોલીસે પોક્સો કેસના વોન્ટેડ આરોપી મોઇબીન કશીરીને ઝડપી લીધો.
- એક વર્ષથી ફરાર: આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર હતો, અંતે રાજકોટથી પકડાયો.
- પોલીસની સતર્કતા: ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને ધરપકડ કરાઈ.
- ટીમની કામગીરી: ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા અને સર્વેલન્સ ટીમ દ્વારા અસરકારક તપાસ હાથ ધરાઈ.
- આગળની પ્રક્રિયા: આરોપીને જેલહવાલે કરી કોર્ટ સમક્ષ હાજર કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે રાજકોટના ભવાની ચોક વિસ્તારમાંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
અમરેલી જિલ્લામાં પેન્ડિંગ વોરંટની બજવણી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત અમરેલી સિટી પોલીસને મહત્વની સફળતા સાંપડી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, શહેર પોલીસે પોક્સો કોર્ટના વોરંટના કામે છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી સફળતાપૂર્વક ઝડપી લીધો છે.
ઘટનાની વિગત મુજબ, અમરેલીની પોક્સો કોર્ટમાં ચાલતા ફોજદારી કેસમાં આરોપી મોઇબીન ઇમ્તીયાજભાઈ કશીરી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. કોર્ટ દ્વારા આરોપીને પકડીને હાજર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન કરવા માટે અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને આરોપીના લોકેશનની તપાસ કરી હતી. બાતમીના આધારે પોલીસની ટીમ રાજકોટ પહોંચી હતી અને ત્યાંના ભવાની ચોક વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાંથી આરોપી મોઇબીન ઇમ્તીયાજભાઈ કશીરી (ઉંમર ૩૨)ને દબોચી લીધો હતો. હાલ આરોપીને ઝડપી પાડી અમરેલી લાવી, વોરંટની કાયદેસરની બજવણી કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગુનાહિત પ્રવૃત્તિ કરી નાસતા ફરતા અન્ય આરોપીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
