મુખ્ય હાઇલાઇટ્સ:
- નબળી કામગીરી: અમરેલી-બગસરા હાઈવેના નિર્માણમાં કરોડોના ભ્રષ્ટાચારનો સ્થાનિકો દ્વારા આક્ષેપ.
- વાહનચાલકોની હાલાકી: બાબાપુરથી જાળિયાના પાટિયા સુધી રોડની સાઈડમાં માત્ર માટી નાખતા વરસાદમાં વાહનો ફસાયા.
- તંત્રની બેદરકારી: જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતા સામે લોકઆક્રોશ.
- ત્વરિત તપાસની માગ: અધિકારીઓ સ્થળ પર જઈને કામગીરીની તપાસ કરે અને યોગ્ય પગલાં ભરે તેવી પ્રબળ લોકમાગણી.
બાબાપુરથી જાળિયાના પાટિયા સુધીના રોડ પર માટીના ઢગલા, તંત્રની ઘોર બેદરકારી સામે લોકઆક્રોશ
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અમરેલી-બગસરા હાઈવેના નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ વિકાસ કામગીરી શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. બાબાપુરથી જાળિયાના પાટિયા સુધીના માર્ગના વિસ્તરણ માટે રોડની બંને સાઈડમાં પાકી કામગીરી કરવાને બદલે માત્ર કાચી માટી નાખવામાં આવી છે. પરિણામે, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ માટી પોચી પડી જતાં વાહનો તેમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે, રોડની સાઈડમાં પાકી ટાંચ (પહોળાણ) નાખવાની હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર માટી નાખીને કામગીરી પૂર્ણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ વરસાદમાં જ આ માર્ગ કાદવ-કીચડમાં ફેરવાઈ જતાં લોકોના વાહનો કલાકો સુધી ફસાયેલા રહે છે. એક મહત્વપૂર્ણ હાઈવે હોવા છતાં અહીં કરવામાં આવેલી નબળી કામગીરીને લઈને પ્રજામાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે તંત્રના અધિકારીઓ સંપૂર્ણપણે મૌન સેવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. “તંત્રના પેટનું પાણી પણ હલતું નથી” તેવી આકરી ટીકા સાથે સ્થાનિકોએ માંગ કરી છે કે, ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ કરે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરે. જો વહેલી તકે આ માર્ગની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
અહેવાલ મહેશભાઈ જળું
