મુખ્ય હાઇલાઇટ્સ:
- બગસરાના જુના વાઘણીયા અને અમરેલી રૂરલના નાના ભંડારીયામાં ત્રાટકેલી તસ્કર ગેંગના બે સાગરીતોને અમરેલી એલ.સી.બી.એ પકડી પાડ્યા.
- રોકડ રકમ, એન્ડ્રોઇડ મોબાઇલ અને મોટરસાઇકલ મળી કુલ રૂ. ૫૪,૫૦૦નો મુદ્દામાલ જપ્ત.
- જુના વાઘણીયામાં ૫ અને નાના ભંડારીયામાં ૪ જગ્યાએ મકાન, દુકાન અને મંદિરમાં ચોરી તેમજ ચોરીના પ્રયાસો કર્યાની કબૂલાત.
- મધ્યપ્રદેશના મૂળ નિવાસી બે આરોપીઓ ઝડપાયા, જ્યારે ગેંગના અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ જારી.
રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષકની સૂચનાથી એલ.સી.બી. એક્શન મોડમાં
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનેલા વણશોધાયેલા (અનડીટેક્ટ) મિલકત સબંધી ગુનાઓ તાકીદે ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની આગેવાની હેઠળ ટીમે સઘન પેટ્રોલીંગ અને સોર્સીસ મારફતે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે શંકાસ્પદ ઇસમોને રોકડ રકમ તથા મોટરસાઇકલ સાથે ઝડપી લીધા હતા.
સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા: ૯ સ્થળોએ ચોરીની કબૂલાત
એલ.સી.બી. ટીમે પકડાયેલા બંને ઇસમોની કડક પૂછપરછ કરતાં તેમણે બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે ગત ૨૧ જુલાઈના રોજ રાત્રિના સમયે એક રહેણાંક મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત એક એગ્રોની દુકાન, મંદિરની દાનપેટી, પાનની દુકાનના શટર તોડી ચોરી કરવા તેમજ અન્ય મકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યાની વિગતો આપી હતી. તેવી જ રીતે ૧૯ જુલાઈના રોજ નાના ભંડારીયા ગામે પણ એક મકાનનું તાળું તોડી રોકડની ચોરી અને અન્ય ત્રણ મકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપી હતી.
ઝડપાયેલા તથા પકડવાના બાકી આરોપીઓની વિગત
પોલીસે અટકાયત કરેલા આરોપીઓમાં (૧) સમરૂભાઈ કીલુ ઉર્ફે ખેલસીંગ બારીયા (ઉંમર વર્ષ ૩૦, હાલ રહે. માગવાપાળ, અમરેલી / મૂળ રહે. જોબટ, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને (૨) શુરૂભાઈ ઉર્ફે સુરો પુનસીંગ વણજારા (ઉંમર વર્ષ ૩૦, હાલ રહે. કુંકાવાવ, વડીયા / મૂળ રહે. જોબટ, અલીરાજપુર, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતો (૧) સાલમ પારસીંગ ગણાવા, (૨) બિમલભાઈ દરીયાસીંગ ગણાવા અને (૩) જગુભાઈ નારસીંગ બારીયા (તમામ રહે. ફુર તળાવ, જોબટ, અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને પકડવાના બાકી હોઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રૂ. ૫૪,૫૦૦નો મુદ્દામાલ જપ્ત: સફળ કામગીરી કરનાર ટીમ
એલ.સી.બી. ટીમે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૯,૫૦૦, રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રૂ. ૩૫,૦૦૦ની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળીને કુલ રૂ. ૫૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા તથા એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર, કનાભાઈ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઈ અમરેલીયા, ઘનશ્યામભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઢાપા, આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી, દશરથસિંહ સરવૈયા તેમજ રાઘવેન્દ્રભાઈ ધાધલ દ્વારા કરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
