મુખ્ય હાઇલાઇટ્સ:
દારૂ-જુગારની બદી નાબૂદ કરવા એલસીબીની લાલ આંખ ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો પર વોચ ગોઠવી કડક કાર્યવાહી કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે અમરેલી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
બાતમીના આધારે વડ ગામની સીમમાં દરોડો એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ઈસમો પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે દરોડા દરમિયાન બે ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.
૧.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત અને ફરારની શોધખોળ રેડ દરમિયાન પોલીસે રોકડા રૂ. ૧,૧૧,૮૭૦/- અને રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતના ૫ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૮૬,૮૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં રફીકભાઈ ઉર્ફે ટાઢો જાખરા, હમીદભાઈ મોરખ, કાદરભાઈ મોરખ, સુમારભાઈ ગાહા, હાજુભાઈ કનોજીયા અને મેરૂભાઈ કોટીલાનો સમાવેશ થાય છે. જ્યારે ફરાર થયેલા આદિલભાઈ ગાહા અને અક્રમભાઈ આલીપોટાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી પીઆઈ સી.પી. વાઘેલા, પીએસઆઈ એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
