મુખ્ય હાઇલાઇટ્સ:
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવીણભાઈ તોગડિયાએ અમરેલી જિલ્લાના વડિયાની લીધી મુલાકાત.
- રક્ષાબંધન પર્વ નિમિત્તે સરપંચ મનીષ ઢોલરિયાના નિવાસસ્થાને બ્રહ્માકુમારીઝના દીદી પાસે રક્ષાબંધન કરાવ્યું.
- પટેલ વાડી ખાતે યોજાયેલી ચિંતન બેઠકમાં ગામડે-ગામડે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા કરી અપીલ.
- પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ સહિત સામાજિક-રાજકીય આગેવાનોની હાજરી, વડિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
વડિયા મુલાકાત દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં આપી હાજરી
ભારતમાં હિન્દુ ધર્મના પ્રચાર, પ્રસાર અને જાગૃતિ અર્થે કાર્યરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની ખાસ મુલાકાત લીધી હતી. વર્ષોની પરંપરા મુજબ વડિયા બ્રહ્માકુમારીઝના દીદી પાસે રક્ષાબંધન પર્વે રાખડી બંધાવવા માટે તેઓ વડિયા આવ્યા હતા. સરપંચ મનીષ ઢોલરિયાના નિવાસસ્થાને તેમનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે રક્ષાબંધન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ વડિયાના સ્થાનિક આગેવાન અશ્વિનભાઈ મહેતાના નિવાસસ્થાને પણ શુભેચ્છા મુલાકાતે ગયા હતા.
પટેલ વાડી ખાતે ચિંતન બેઠક: હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા આહવાન
ત્યારબાદ વડિયાના કૃષ્ણપરા સ્થિત પટેલ વાડી ખાતે હિન્દુ ધર્મના લોકો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક ભવ્ય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રવીણભાઈ તોગડિયાએ ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના જતન અને જાગૃતિ માટે ગામડે-ગામડે તેમજ શેરીએ-શેરીએ હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવા જોઈએ. આ સાથે જ તેમણે સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સેવાકીય કાર્ય હાથ ધરવા પણ આહવાન કર્યું હતું.
રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ સહિત વડિયાના વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો અને હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા પ્રવીણભાઈ તોગડિયાનું શાલ અને ફુલહાર પહેરાવીને ભાવભીનું બહુમાન કરવામાં આવ્યું હતું. વીઆઈપી મુલાકાતને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ વડિયા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી
