મુખ્ય હાઇલાઇટ્સ:
- રેકોર્ડબ્રેક ટેસ્ટિંગ: મેલેરિયાના જોખમને ડામવા માટે રાજ્યભરમાં રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ૪૮૬ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાઈ.
- મહા સર્વેલન્સ અભિયાન: રાજ્યની ૧૯,૫૦૦થી વધુ આરોગ્ય ટીમો દ્વારા ૬.૫૧ કરોડની વસ્તીનું પ્રત્યક્ષ સર્વેલન્સ કરી ૨૯ લાખ જેટલી મચ્છરોના બ્રીડિંગ સાઇટ્સનો નાશ કરાયો.
- મોટા પાયે ફોગિંગ અને ધુમાડો: મચ્છરોના તાત્કાલિક સફાયા માટે રાજ્યભરના ૩ લાખથી વધુ ઘરોમાં ફોગિંગ-ધુમાડો કરવાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન.
- કુદરતી પ્રયોગ (પોરાભક્ષક માછલીઓ): પાણી ભરાઈ રહેતું હોય તેવા ૪,૯૯૮ સ્થળો પર મચ્છરોનો ફેલાવો અટકાવવા માટે ખાસ ‘લાર્વીવોરસ’ (પોરા ખાઈ જતી) માછલીઓ મૂકવામાં આવી.
૧૯,૫૦૦થી વધુ આરોગ્ય ટીમો દ્વારા કરોડો નાગરિકોનું સઘન સર્વેલન્સ
ચોમાસામાં ફાટી નીકળતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં ૧૯,૫૦૦થી વધુ સજ્જ આરોગ્ય ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમોએ અત્યાર સુધીમાં અંદાજે ૬.૫૧ કરોડની વિશાળ વસ્તીનું ઘર-ઘર જઈને સઘન સર્વેલન્સ કર્યું છે. આ તપાસ દરમિયાન રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાંથી મચ્છરોના ઉત્પત્તિ સ્થાન એવા ૨૯ લાખ જેટલા બ્રીડિંગ સાઇટ્સ (પોરા ના પ્રજનન સ્થળો) શોધી કાઢી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
મેલેરિયાના ૯૪ લાખથી વધુ ટેસ્ટ અને દર્દીઓને વિનામૂલ્યે સારવાર
આરોગ્ય વિભાગ દ્વારા રોગના વહેલા નિદાન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં મેલેરિયાના રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ શંકાસ્પદ દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન પોઝિટિવ જણાautomેલા ૪૮૬ દર્દીઓને સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખાતે સંપૂર્ણપણે ફ્રી (વિનામૂલ્યે) અને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવી છે. તંત્રની આ ત્વરિત કામગીરીને કારણે રોગચાળો આગળ ફેલાતો અટકાવી શકાયો છે.
૩ લાખ ઘરોમાં ફોગિંગ અને મચ્છરોના નાશ માટે અનોખો જૈવિક પ્રયોગ
મચ્છરોના આતંકથી નાગરિકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ ઘરો અને તેની આજુબાજુના વિસ્તારોમાં ફોગિંગ એટલે કે જંતુનાશક ધુમાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મચ્છરોનો ફેલાવો કાયમી ધોરણે અટકાવવા માટે એક વિશેષ જૈવિક પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જ્યાં લાંબા સમય સુધી કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા ૪,૯૯૮ જેટલા સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ સ્થળો પર મચ્છરોના પોરાને જીવતા જ ખાઈ જતી ખાસ ‘પોરાભક્ષક’ (લાર્વીવોરસ) માછલીઓ મૂકવામાં આવી છે, જેથી કુદરતી રીતે જ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કડક મોનિટરિંગ
ગુજરાતને વાહકજન્ય અને મચ્છરજન્ય રોગોથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા વ્યક્તિગત રસ લઈ રહ્યા છે. તેમના સીધા માર્ગદર્શન હેઠળ ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્યની પરિસ્થિતિનું દૈનિક (રોજિંદું), સાપ્તાહિક (અઠવાડિક) અને માસિક (મહિનાવાર) ધોરણે કડક મોનિટરિંગ અને કલેક્ટર કક્ષાએ સમીક્ષા કરવામાં આવી રહી છે. સરકારના આ આયોજનબદ્ધ અને મક્કમ પગલાંના કારણે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને બોટાદ સહિત સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગો પર સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
