મુખ્ય હાઇલાઇટ્સ:
- સ્થળ અને ઘટના: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર ભોળાદ પાટીયા નજીક બ્રિજ પર પાણી ભરાવાને કારણે અકસ્માત સર્જાયો.
- બે કાર વચ્ચે ટક્કર: બ્રિજ પર પાણીના કારણે થાર કાર સ્લીપ થતાં પાછળથી આવતી હ્યુન્ડાઇ કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ.
- નુકસાન અને ઇજા: અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે, જ્યારે બંને લક્ઝુરિયસ કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
- તંત્રની બેદરકારી: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતાં હાઇવે પર વારંવાર અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે.
- લોકોની માંગ: અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તેવી જનતાની ઉગ્ર માંગ.
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ભોળાદ પાટીયા નજીક તંત્રની બેદરકારીના કારણે વધુ એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ચોમાસાની ઋતુમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. આ ભરાયેલા પાણીના કારણે હાઇવે પરથી પસાર થઈ રહેલી બે મોંઘીદાટ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના કુરચા બોલી ગયા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
પાણીમાં ટાયર સ્લીપ થતાં પાછળ આવતી કાર ધડાકાભેર અથડાઈ
મળતી માહિતી મુજબ, ભોળાદ નજીક આવેલા બ્રિજ પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ દરમિયાન આગળ જઈ રહેલી એક થાર કારના ચાલકે અચાનક બ્રેક મારતાં, પાણીના કારણે કારના ટાયર સ્લીપ થઈ ગયા હતા. બરાબર આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ કારનો ચાલક સમયસર બ્રેક પર કાબૂ રાખી શક્યો નહોતો અને તેણે આગળ જતી થાર કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડ્યો હતો.
નેશનલ હાઇવે ઓથોરિટી સામે જનતામાં ભારે રોષ
આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં નેશનલ હાઇવે ઓથોરિટીની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એક્સપ્રેસ હાઇવે પર વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી. તંત્રની આ આળસુ નીતિના કારણે નિર્દોષ નાગરિકો અવારનવાર કમોતે મરી રહ્યા છે અથવા તો ગંભીર ઇજાનો ભોગ બની રહ્યા છે. લોકો હવે એવી માંગ કરી રહ્યા છે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ગંભીર બાબતની નોંધ લે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ રોડની ખામીઓનો કાયમી ઉકેલ લાવે.
અહેવલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
