મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રોડ સેફ્ટી કેમ્પેઇન સફળતાપૂર્વક સંપન્ન.
- અમદાવાદ ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલ અને અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત.
- ૧૨,૦૦૦થી વધુ હેલ્મેટનું વિતરણ: વિદ્યાર્થીઓ, આશા વર્કર્સ અને સફાઈ કર્મચારીઓને કરાયા આવરી.
- ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સત્રો અને ચિત્ર સ્પર્ધા દ્વારા માર્ગ સલામતીનો સંદેશ પ્રસરાવાયો.
ચાર મહાનગરોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિનો સફળ સંદેશ
ટ્રુહોમ ફાઇનાન્સ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી, ટ્રાફિક જાગૃતિ અને રસ્તા પર જવાબદાર વર્તન અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી એક વિશાળ રોડ સેફ્ટી કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મુખ્ય મહાનગરોને સાંકળીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. અભિયાનની સફળ પૂર્ણાહુતિ નિમિત્તે તાજેતરમાં અમદાવાદ ટાઉન હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદ ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલ, ટ્રુહોમ ફાઇનાન્સના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ હિતધારકો અને સામાજિક પ્રતિનિધિઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
૩૭થી વધુ ટ્રાફિક બૂથ અને ૧૨,૦૦૦થી વધુ હેલ્મેટનું કરાયું વિતરણ
અભિયાનના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુગમ બનાવવા માટે વિવિધ સ્થળોએ ૩૭થી વધુ ટ્રાફિક પોલીસ બૂથ સ્થાપિત કરીને પોલીસ તંત્રને માળખાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ૧૨,૦૦૦થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુથ ફોરમ દ્વારા કરવામાં આવેલા જરૂરિયાત આધારિત મૂલ્યાંકન મુજબ આ હેલ્મેટ કોલેજના વિદ્યાર્થીઓ, આશા વર્કર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ તેમજ જરૂરિયાતમંદ વર્ગના લોકોને એનાયત કરવામાં આવ્યા હતા.
શાળાઓ-કોલેજોના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં જોડાયા
યુવા પેઢીમાં માર્ગ સુરક્ષા અંગે ગંભીરતા કેળવાય તે હેતુથી શાળાઓ અને કોલેજોના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે વિશેષ ટ્રાફિક જાગૃતિ સત્રોનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રાફિક નિયમો અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ શાળાઓમાં રોડ સેફ્ટી ડ્રોઇંગ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ટાઉન હોલના સમારોહમાં વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “રોડ સેફ્ટી માત્ર ટ્રાફિક પોલીસની નહીં, પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે.” ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઉસિંગ બેંક સાથે નોંધાયેલી અને આશરે ૨૪,૧૯૮ કરોડનું અસ્કયામત સંચાલન ધરાવતી ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ) દ્વારા ગુજરાત યુથ ફોરમના સહયોગથી આ ભગીરથ સામાજિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : ચેતન રાજપૂત
