મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અર્થે ‘કાઠિયાવાડ ભવન’નું લોકાર્પણ.
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પરશોત્તમ રૂપાલાના વરદ હસ્તે કરાયું ઉદ્ઘાટન.
- પૂજનીય સાધુ-સંતોના દિવ્ય આશીર્વાદ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓની ગૌરવપૂર્ણ હાજરી.
- વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.
ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના વિધાર્થીઓ માટે ‘કાઠિયાવાડ ભવન’ ખુલ્લું મુકાયું
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત કાઠી દરબાર સમાજ દ્વારા શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના ઉમદા હેતુ સાથે નિર્માણ પામેલા ભવ્ય ‘કાઠિયાવાડ ભવન’નો લોકાર્પણ સમારોહ ધામધૂમથી યોજાયો હતો. સમાજના ઉચ્ચ શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓને પાટનગરમાં રહેવા અને અભ્યાસ માટે ઉત્તમ સુવિધા મળી રહે તે માટે આ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે ધાર્મિક અને સામાજિક ગૌરવવંત માહોલ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી અને સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ
આ ગૌરવશાળી કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરશોત્તમ રૂપાલાના વરદ હસ્તે વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રી અને સાંસદશ્રીએ સમાજના આ શૈક્ષણિક અને સામાજિક પ્રકલ્પને બિરદાવતાં જણાવ્યું હતું કે શિક્ષણ ધામ તરીકે ‘કાઠિયાવાડ ભવન’ સમાજના આશાસ્પદ વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
સાધુ-સંતો અને સામાજિક-રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ
આ પ્રસંગે વિવિધ ધામોમાંથી પધારેલા પૂજનીય સાધુ-સંતોએ ઉપસ્થિત રહીને તમામ વિધાર્થીઓ અને સમાજને દિવ્ય આશીર્વચન પાઠવ્યા હતા. લોકાર્પણ સમારોહમાં ગુજરાતભરમાંથી કાઠી દરબાર સમાજના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, ધારાસભ્યો, રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા પધારેલા તમામ મહાનુભાવો અને દાનવીરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ : મહેશભાઈ જળું
