મુખ્ય હાઇલાઇટ્સ:
- લાઠી શહેરના જૂના કોળીવાસ પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને દબોચી લેતી લાઠી પોલીસ.
- આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૭૩૦ અને ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ જપ્ત.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જુગાર-દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ.
- લાઠી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી હાથ ધરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી.
જુગાર અને દારૂની બદી નાબૂદ કરવા પોલીસનું સઘન પેટ્રોલીંગ
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ લાઠી વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા અમરેલી જિલ્લામાંથી જુગાર અને દારૂની બદી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખીને કડક કાર્યવાહી કરવા ખાસ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના અનુસંધાને લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. બી. ઔસુરાની દોરવણી હેઠળ લાઠી પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા ઈસમો પર સતત વોચ રાખવામાં આવી રહી હતી.
જૂના કોળીવાસ પાસે દરોડો પાડી ૪ શખ્સોને ઝબ્બે કરાયા
દરમિયાન લાઠી પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાઠી ટાઉનમાં આવેલા જૂના કોળીવાસ પાસે જાહેર જગ્યામાં સરપ્રાઈઝ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ૪ પત્તાપ્રેમીઓને સ્થળ પર જ ઘેરીને પકડી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ લાઠી ટાઉન વિસ્તારના જ રહીશ હોવાનું સામે આવ્યું છે.
રોકડા ₹૧૦,૭૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા ₹૧૦,૭૩૦ અને ૫૨ નંગ ગંજીપત્તાના પાના જપ્ત કર્યા હતા. આ મામલે લાઠી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી સજાદભાઈ સાહિલભાઈ સેતા (ઉંમર વર્ષ ૩૧, ધંધો- મજુરીકામ), મુસ્તાકભાઈ મહમદભાઈ કુરેશી (ઉંમર વર્ષ ૪૦, ધંધો- ડ્રાઇવીંગ), રોનકભાઈ ભરતભાઈ બારૈયા (ઉંમર વર્ષ ૨૬, ધંધો- પ્રાઈવેટ નોકરી) અને રાકેશભાઈ ગોરધનભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૩૫, ધંધો- મજુરીકામ) સામે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
