મુખ્ય હાઇલાઇટ્સ:
- વરસાદના વિરામ બાદ ધોળકાના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં બિસ્માર રસ્તા અને ગટરના પાણી ફરી વળ્યા.
- સેવા સદન, સરકારી હોસ્પિટલ અને ભાજપ કાર્યાલય તરફ જતા રસ્તાઓનું ધોવાણ થતાં હાલાકી.
- તકલાદી કામગીરી અને પાલિકાના સત્તાધીશોની ઉદાસીનતા સામે વેપારીઓ અને ગ્રામજનોમાં રોષ.
- તૂટેલા રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ.
વરસાદના વિરામ બાદ ધોળકાના રોડ-રસ્તા દયનીય બ બન્યા
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં થોડા દિવસો પૂર્વે ખાબકેલા ભારે વરસાદ બાદ નગરપાલિકાની તકલાદી કામગીરી ખુલ્લી પડી ગઈ છે. વરસાદી પાણી ઓસર્યા બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જ્યારે અનેક સ્થળોએ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતાં વાહનચાલકો, સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારી કચેરીઓની સામે જ ગંદકી અને ખાડાનું રાજ
અત્યંત શરમજનક બાબત તો એ છે કે ધોળકા સેવા સદનની સામેના મુખ્ય રસ્તા પર જ ગટરના દૂષિત પાણી અને મસમોટા ખાડાઓ સામ્રાજ્ય જમાવીને બેઠા છે. આ માર્ગ પરથી દરરોજ પોલીસ કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત અનેક સરકારી અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હજારો અરજદારો પસાર થાય છે. મુખ્ય કચેરીઓ સામેની જ આ કફોડી સ્થિતિ તંત્રને કેમ દેખાતી નથી તેવો સવાલ પ્રજામાં ઉઠ્યો છે.
શહેરના મુખ્ય માર્ગોનું ભારે ધોવાણ
સ્થાનિક જાગૃત નાગરિકો અને વેપારીઓના જણાવ્યા મુજબ, શહેરના ગુંદરા રોડ, ગધેમર રોડ, સરકારી આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થતો રોડ, મઘીયાથી ભાજપ કાર્યાલય તરફ જતો રોડ, સેવા સદન કચેરી રોડ, ક્ષત્રિય ઠાકોર વિસ્તાર તરફ જતો રોડ તેમજ ધોળકાથી ત્રાસદ તરફ જતો રોડ સહિત અનેક વિસ્તારોના રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે.
પાલિકા તંત્ર સામે પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આક્રોશ
રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડા અને ગટરના પાણીના કારણે વાહનો સ્લીપ થવા તથા અકસ્માત સર્જાવાનો સતત ભય સતાવી રહ્યો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના સત્તાધીશો મૌન સેવીને બેઠા હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા દ્વારા શહેરના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક અને યોગ્ય રીતે પેચવર્ક કરવામાં આવે તેમજ ગટરના ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
