મુખ્ય હાઇલાઇટ્સ:
- વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતોએ પાક નુકસાની અને જમીન ધોવાણના મુદ્દે યોજી વિશાળ રેલી.
- એપીએમસી માર્કેટ યાર્ડથી તાલુકા સેવા સદન સુધી મોરચો કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું.
- મોરબી જિલ્લા કરતાં ઓછું વળતર મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ; યોગ્ય ન્યાય આપવા માંગણી.
- વીજ લાઈન, અંડરગ્રાઉન્ડ લાઈનની નુકસાની, પાક વીમા યોજના અને રી-સર્વે ત્વરિત પૂર્ણ કરવા રજૂઆત.
એપીએમસીથી સેવા સદન સુધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો મોરચો
અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતોએ પાક નુકસાની, જમીન ધોવાણ અને વીજ લાઈનના વળતર સહિતના વિવિધ પડતર મુદ્દાઓને લઈને વિરમગામ ખાતે એક વિશાળ જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. એપીએમસી માર્કેટ યાર્ડ ખાતેથી મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતો બેનરો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવા સદન સુધી પહોંચ્યા હતા. જંગી મોરચાના રૂપમાં પહોંચેલા આ ખેડૂત પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ રજૂઆતો બુલંદ અવાજે મૂકી હતી.
મોરબી કરતાં ઓછું વળતર મળતાં ખેડૂતોમાં રોષ: રાજકીય નેતાઓ સામે આક્રોશ
આવેદનપત્રમાં ખેડૂતોએ ઉગ્ર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પડોશી મોરબી જિલ્લાની સરખામણીએ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને જમીનનું વળતર ખુબ જ ઓછું ચૂકવવામાં આવી રહ્યું છે, જે તેમની સાથે સીધો અન્યાય છે. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે માત્ર ચૂંટણી ટાણે જ મતો લેવા આવતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના આગેવાનો ખેડૂતોની આ વેદના સમજે. પ્રજાના પ્રતિનિધિઓ સરકારમાં યોગ્ય કક્ષાએ રજૂઆત કરી ખેડૂતોને તેમનો હક્ક અને ન્યાય અપાવે તેવી માંગણી ઉઠાવવામાં આવી હતી.
અતિવૃષ્ટિના વળતર અને રી-સર્વે સત્વરે પૂર્ણ કરવાની માંગણી
આ ઉપરાંત ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે થયેલ ભારે પાક નુકસાન અને જમીન ધોવાણનું વળતર સત્વરે ચૂકવવાની માંગ કરી હતી. સાથોસાથ નળકાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનો નાખ્યા બાદ થયેલ નુકસાનીનું વળતર આપવા, પાક વીમા યોજનાનો યોગ્ય અમલ કરવા અને અટકેલી રી-સર્વેની કામગીરી ત્વરિત ધોરણે પૂર્ણ કરવા વહીવટી તંત્રને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશભાઈ પરીખ
