મુખ્ય હાઇલાઇટ્સ:
- અછતગ્રસ્ત ૧૦૮ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની ધારાસભ્યોને અપીલ.
- વરસાદ ખેંચાતાં અને બોરમાં પાણી સુકાતાં ખેડૂતો, મજૂરો, ભાગ્યાઓ અને પશુપાલકો પાયમાલ થવાની ભીતિ.
- જે ધારાસભ્યો ખેડૂતોના સમર્થનમાં મુખ્યમંત્રીને પત્ર નહીં લખે તેમના નામ જાહેર કરવાની ઈસુદાન ગઢવીની ચેતવણી.
- આવતી ૯ સપ્ટેમ્બરથી ખેડૂત આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, ૧૦૮ તાલુકાના ખેડૂતોને આંદોલનમાં જોડાવવા આહ્વાન.
ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે ઈસુદાન ગઢવીની ધારાસભ્યોને આહ્વાન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોને મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના હિતમાં રજૂઆત કરવા અપીલ કરી છે. તેમણે એક વીડિયો સંદેશના માધ્યમથી ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, હાલમાં વરસાદ ન હોવાથી અને ૩૦૦-૪૦૦ ફૂટ ઊંડા બોરમાંથી પાણી સુકાઈ જતાં ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ અત્યંત દયાજનક બની છે. પશુઓને પીવડાવવા પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને ૧૦૮ અછતગ્રસ્ત તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને વિધાનસભામાં આ મુદ્દો ઊઠાવવા માટે તેમણે ૫૭ ધારાસભ્યોને પત્ર પાઠવ્યો છે.
ચૂંટણી સમયે આવતા નેતાઓ મુશ્કેલીના સમયે ગુમ થયાનો આક્ષેપ
ઈસુદાન ગઢવીએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિ-જાતિના આગેવાનો, ભાજપના નેતાઓ, પેજ પ્રમુખો અને વિવિધ રાજકીય લોકો મતો માગવા ગામડે-ગામડે પહોંચી જાય છે. પરંતુ આજે જ્યારે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોને સાચી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે તમામ નેતાઓ અને આગેવાનો ગુમ થઈ ગયા છે. ખેડૂતો અને મજૂરોના મતે જીતેલા પ્રતિનિધિઓ જો તેમના દુઃખમાં સહભાગી નહીં બને અને પોતાની પ્રજા માટે મુખ્યમંત્રીને પત્ર પણ નહીં લખે તો તેઓ અત્યંત નિષ્ઠુર સાબિત થશે.
પત્ર નહીં લખનાર નેતાઓના નામ જાહેર કરાશે, ૯ સપ્ટેમ્બરથી આંદોલનનો બીજો તબક્કો
જે ધારાસભ્યોએ ખેડૂતોના સમર્થનમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમનો આભાર માનતાં ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે, જે ધારાસભ્યો પત્ર નહીં લખે તેમના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે આવતી ૯ સપ્ટેમ્બરથી ખેડૂત આંદોલનનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જેથી અછતગ્રસ્ત ૧૦૮ તાલુકાના તમામ ખેડૂતો, મજૂરો અને પશુપાલકોને આ આંદોલનમાં મજબૂતાઈથી જોડાવવા અપીલ કરવામાં આવી છે. જ્યાં સુધી ખેડૂતોની ચાર મુખ્ય માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આખી ટીમ શાંત બેસશે નહીં તેવી પણ સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.
અહેવાલ: ચેતન રાજપૂત
