મુખ્ય હાઇલાઇટ્સ:
- વડોદરાના અકોટા વિસ્તારમાં પ્રોમીલા ક્લિનિક ચલાવતો ૧૦ પાસ બોગસ ડોક્ટર બિસ્વજીત હાલદાર ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં ઝડપાયો.
- ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો અને રોકડ મળી કુલ રૂ. ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત.
- આરોપી કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વિના છેલ્લા ૧૫ વર્ષથી ચલાવતો હતો દવાખાનું.
- ૧૫ વર્ષ સુધી એક પણ વિઝિટ ન કરનાર આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ.
અકોટાના પ્રોમીલા ક્લિનિકમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પ્રોમીલા ક્લિનિકમાં છેલ્લા ૧૫ વર્ષથી દર્દીઓને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપી લોકોના જિંદગી સાથે રમતો બોગસ તબીબ પકડાયો છે. અકોટા ગાર્ડનની સામે આવેલા આ ક્લિનિકમાં ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૨ ની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરી રહેલા ૪૫ વર્ષીય બિસ્વજીત પ્રફુલ્લ હાલદારને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી માત્ર ૧૦ પાસ હોવાનું અને તેની પાસે કોઈ જ તબીબી પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું છે.
રૂપિયા ૧.૧૮ લાખનો માતબર મુદ્દામાલ જપ્ત કરાયો
દરોડા દરમિયાન ક્લિનિકમાંથી ૪૧ હજાર રૂપિયાની કિંમતની કફ સિરપની ૩૮ બોટલ, ૧૬૨ ઇન્જેક્શન, દવાઓના ૨૮૧ પત્તા, ૮૪ ટ્યુબ, ૩૦ પાઉડર, ૩૨ કેપ્સ્યુલ, ૯ ગ્લુકોઝની બોટલ અને ૧૯ ઇન્ફ્યુઝન સેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ મેડિકલ સાધનો, ૧૫ હજાર રૂપિયાની રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ રૂપિયા ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી પર ઊભા થયા ગંભીર સવાલો
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ બોગસ ડોક્ટર ૧૫-૧૫ વર્ષથી બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો હતો, છતાં જિલ્લા કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ક્યારેય કોઈ તપાસ કે વિઝિટ કરવામાં આવી નહોતી. આરોગ્ય વિભાગની ટીમે એક પણ વખત આ ક્લિનિકનું લાયસન્સ કે ડિગ્રી ચકાસવાની તસ્દી લીધી ન હતી. તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરતું હોવાના અને ગ્રાઉન્ડ લેવલે કોઈ ચકાસણી ન થતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જાહેર હિતમાં સમગ્ર જિલ્લામાં આવા બોગસ ક્લિનિકો સામે સઘન તપાસ ઝુંબેશ ચલાવવાની માંગ ઉઠી છે.
અકોટા પોલીસે હાથ ધરી આગળની તપાસ
આ બનાવ અંગે અકોટા પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વર્ષોથી ચાલતા આ ક્લિનિકમાં આરોપીએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર કરી છે અને કયા પ્રકારની ભારે એલોપેથીક દવાઓ આપી છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર : રાજેશ પરીખ
