મુખ્ય હાઇલાઇટ્સ:
- બરડા ડુંગરમાં આવેલા તાળીવારાનેશ નજીક રાણના ઝાડ નીચે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દેવભૂમિ દ્વારકા એલસીબીની રેડ.
- દારૂ બનાવવાનો ૧૪૦૦ લીટર કાચો આથો (કિંમત રૂ. ૩૫,૦૦૦) અને ૧૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૨૦,૦૦૦) કબ્જે કરાયો.
- ધામણીનેશનો આરોપી દિલીપ અમરાભાઈ રબારી રેડ દરમિયાન સ્થળ પરથી ફરાર, પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી.
- રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય અને એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે પાર પાડી સફળ કામગીરી.
બરડા ડુંગરમાં ગેરકાયદે દારૂની ભઠ્ઠી પર એલસીબીની ત્રાટક બોલી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આપેલા આદેશના પગલે એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી. એમ. દેવમુરારી તથા એસ. વી. કાંબલીયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બરડા ડુંગર વિસ્તારમાં પ્રોહિબિશન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૫૫,૦૦૦નો જથ્થો ઝડપ્યો
પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમના એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાભાઈ બેરા અને કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે તાળીવારાનેશથી આશરે ૫૦૦ મીટર દૂર રાણના ઝાડ નીચે ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૧૪૦૦ લીટર કાચો આથો (કિંમત રૂ. ૩૫,૦૦૦) તેમજ ૧૦૦ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળી કુલ રૂ. ૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ધામણીનેશનો દારૂનો ધંધાર્થી ફરાર, ભાણવડ પોલીસ મથકે ગુનો દાખલ
પોલીસના દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવતો આરોપી દિલીપભાઈ અમરાભાઈ રબારી (રહે. ધામણીનેશ, તા. ભાણવડ) સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલાએ ફરિયાદ આપતા હેડ કોન્સ્ટેબલ વેજાભાઈ બેરાએ કાયદેસરની કાર્યવાહી કરી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવ્યો છે. આ સફળ કામગીરી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એન. એચ. જોષી, પીએસઆઈ બી. એમ. દેવમુરારી, પીએસઆઈ એસ. વી. કાંબલીયા તેમજ એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાભાઈ બેરા અને કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે પાર પાડી છે.
એહવાલ ફારૂક બિલખીયા અમરેલી
