મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટી કાર્યવાહી: ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા પાંજવાળી અને વાવડી ગામની સીમમાં આકસ્મિક દરોડા.
- સાત પ્લાન્ટ સીલ: ઝરીયા મહાદેવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સાત સ્ટોન ક્રશર (ભરડિયા) સ્થળ પર જ સીલ કરાયા.
- કરોડોનો મુદ્દામાલ સીઝ: સ્થળ પરથી નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂપિયા ૩.૭૧ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત.
- સરકારી જમીન પર ખનન: ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી સેન્ડ સ્ટોનનું ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને પરિવહન ઝડપાયું.
- તંત્રની કડક ચેતવણી: નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ ભવિષ્યમાં પણ ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનન સામે કડક પગલાં ચાલુ રાખવાની આપી ખાતરી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ઝરીયા મહાદેવ અને આસપાસના વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડીને એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને ધમધમતા સાત ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ (ભરડિયા) સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે, તેમજ રૂપિયા ત્રણ કરોડ એકોતેર લાખ દસ હજારનો કિંમતી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી
ચોટીલા સબ ડિવિઝન હેઠળ મોજે પાંજવાળી ગામે ઝરીયા મહાદેવની આસપાસ આવેલા વિસ્તારમાં તેમજ ત્યારબાદ મોજે વાવડી ગામે કાર્યરત સ્ટોન ક્રશર એકમો ઉપર આ આકસ્મિક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા અને ચોટીલાના મામલતદારની સંયુક્ત ટીમે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. ટીમની અચાનક એન્ટ્રી થતાં જ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સરકારી અને ખાનગી જમીનોમાંથી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં કાર્યરત આ સ્ટોન ક્રશર એકમો દ્વારા આજુબાજુના ખાનગી તેમજ સરકારી સર્વે નંબરોમાંથી તદ્દન ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોનનું ખનન કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આ કિંમતી ખનીજનો ગેરકાનૂની રીતે સંગ્રહ, પરિવહન અને પ્રોસેસિંગ કરીને આખો પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ માપણી અને પંચનામાની કાયદેસરની વિધિ કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ મોટા પાયે ગેરકાયદેસર ખનન થયું હોવાનું સાબિત થયું હતું.
દસ્તાવેજો રજૂ ન કરી શકતા પ્લાન્ટ સીલ કરી કરોડોનો મુદ્દામાલ કબજે કરાયો
તપાસ દરમિયાન જ્યારે સંચાલકો પાસે ખનીજના સ્ટોક અને સંગ્રહ અંગેના જરૂરી કાયદેસરના દસ્તાવેજો માંગવામાં આવ્યા, ત્યારે તેઓ કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. આ ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તંત્ર દ્વારા કુલ સાત સ્ટોન ક્રશર પ્લાન્ટને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવ્યા હતા અને કુલ રૂપિયા ૩,૭૧,૧૦,૦૦૦ ની કિંમતના સાધનો તેમજ ખનીજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આ મામલે સત્તાવાર વિગતો આપતા ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર ખનન, ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ, પ્રોસેસિંગ, સરકારી જમીન પર અનધિકૃત કબજો તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે. આગામી સમયમાં પણ આવી આકસ્મિક તપાસોનો દોર સતત ચાલુ રાખીને કડક અને dૃષ્ટાંતરૂપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ : ફારૂકભાઈ બિલખિયા
