મુખ્ય હાઇલાઇટ્સ:
- પાન પાર્લરમાં ક્લિનિક: ઈશ્વરીયા ગામે આવેલી ‘કુળદેવી પાન સેન્ટર’ નામની ભાડાની દુકાનમાં ગેરકાયદે દવાખાનું ચલાવાતું હતું.
- નકલી સરકારી તકતી: ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર લોકોની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાત સરકારના મેડિકલ ઓફિસરનું નકલી પાટિયું લગાવીને બેઠો હતો.
- લાખોની દવાઓ જપ્ત: પોલીસના દરોડા દરમિયાન દવાખાનામાંથી વિવિધ રોગોની સારવાર માટે વપરાતી ₹૯૮,૨૩૪ની કિંમતની એલોપેથીક દવાઓનો જથ્થો કબજે કરાયો.
- આરોગ્ય તંત્ર સામે શંકાની સોય: આરોપી છેલ્લા ૩ વર્ષથી અહીં નિર્ભય બનીને ક્લિનિક ચલાવતો હતો, છતાં સ્થાનિક કે જિલ્લા આરોગ્ય કચેરીને આ કેમ ન દેખાયું તે મોટો સવાલ છે.
ગુપ્ત બાતમીના આધારે સાયલા પોલીસે પાડ્યા દરોડા
સાયલા પોલીસ મથકના એએસઆઇ અશ્વિનભાઈ દવે તથા તેમની સ્ટાફની ટીમના સિધ્ધરાજસિંહ પરમાર અને હરપાલસિંહ પરમાર સહિતના જવાનોને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાલુકાના છેવાડાના ઈશ્વરીયા ગામે આવેલા પાન પાર્લર પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન કોઈપણ જાતના કાયદેસર મેડિકલ સર્ટિફિકેટ કે અનુભવ વગર ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી આરોપી કમલેશ જીવરાજભાઈ લડવાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના ‘મેડિકલ ઓફિસર’નું નકલી બોર્ડ મારી કરાતો વેપલો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આરોપી કમલેશ લડવા લોકોમાં વિશ્વાસ ઊભો કરવા માટે પોતાની ભાડાની દુકાન પર ગુજરાત સરકાર, મેડિકલ ઓફિસર લખેલી તકતી લગાવીને બેસતો હતો. અભણ અને નિર્દોષ ગ્રામીણ જનતા તેને સાચો સરકારી ડોક્ટર સમજીને પોતાની સારવાર કરાવતી હતી. આરોપીએ કબૂલાત કરી છે કે તે છેલ્લા ૩ વર્ષથી કોઈપણ રોકટોક વિના આ જગ્યાએ ક્લિનિક ચલાવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આશરે ₹૯૮,૨૩૪ની કિંમતી એલોપેથી દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો જપ્ત કરી આરોપી વિરૂદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે.
આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું: પોલીસ જ કેમ કરે છે કામગીરી?
આ ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, વારંવાર આવા બોગસ ડોક્ટરો પકડવાની કામગીરી ફક્ત અને ફક્ત પોલીસ વિભાગ જ કેમ કરે છે? લાખો રૂપિયાનો પગાર લેતા જિલ્લાના અને તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને તેમની ટીમો શું ઊંઘતી ઝડપાઈ છે કે પછી આવા નકલી ડોક્ટરો સાથે વહીવટી મિલીભગત ચાલતી હોય છે? ૩-૩ વર્ષ સુધી આ મોતની હાટડી ધમધમતી રહી છતાં આરોગ્ય વિભાગને તેની ભનક પણ ન આવી, તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સાબિત કરે છે.
અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પ્રજાની ઉગ્ર માંગ
સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા અન્ય બોગસ મુન્નાભાઈ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને અનેક નકલી ડોક્ટરો પોતાના પાટિયા સંકેલીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જાગૃત નાગરિકોની માંગ છે કે, ભવિષ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આવા ખિલવાડને અટકાવવા માટે માત્ર નાના પેડલરો કે નકલી ડોક્ટરો જ નહીં, પરંતુ જેમના વિસ્તારમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેવા જવાબદાર તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ (નક્કી) થવી જોઈએ, જેથી તેઓ પોતાની ફરજમાંથી છૂટી ન શકે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
