મુખ્ય હાઇલાઇટ્સ:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ કિસાન મોરચા ગુજરાત દ્વારા નવતર પહેલનો પ્રારંભ.
- કર્ણાવતીના શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ખાતે ૫૦૦ યુવાનોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન અને સરકારી યોજનાઓનું અપાયું માર્ગદર્શન.
- યુવાનો દ્વારા ખેતીને નવી ટેક્નોલોજી સાથે જોડવા અને કૃષિ આધારિત વ્યવસાય વિકસાવવાનો લેવાયો સામૂહિક સંકલ્પ.
- નાટ્યપ્રસ્તુતિ, ક્વિઝ અને પ્રશ્નોત્તરીના માધ્યમથી યુવાનો અને વિષય નિષ્ણાતો વચ્ચે યોજાયો સીધો સંવાદ.
- કિસાન મોરચા પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાએ આ કાર્યક્રમ આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજવાની કરી જાહેરાત.
આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત કાર્યક્રમનો શુભારંભ
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચા ગુજરાત દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કર્ણાવતીના ગુલબાઈ ટેકરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ખાતે ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ નામના વિશેષ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન અને કિસાન મોરચા પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાના નેતૃત્વ હેઠળ, કિસાન મોરચાના એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતો સાથે સંવાદ અને યુવાનો દ્વારા નાટ્યપ્રસ્તુતિ
આ કાર્યક્રમના ‘શૂન્યમાંથી સર્જન – યુવા ઉદ્યોગસાહસિક’ સત્રમાં યુવા ઉદ્યોગસાહસિક અને વોટરવેલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દીપ કોઠડીયાએ પોતાના વ્યવસાયિક અનુભવો રજૂ કર્યા હતા. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ યુવાનોને નવી શરુઆત, કૃષિ આધારિત ઉદ્યોગો, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને સરકારી સહાય અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરીને યોગ્ય માર્ગદર્શન, પરિશ્રમ અને સરકારી યોજનાઓના યોગ્ય ઉપયોગથી સફળ ઉદ્યોગસાહસિક બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
ખેતીને ટેક્નોલોજી સાથે જોડવા ૫૦૦ યુવાનોનો સામૂહિક સંકલ્પ
કાર્યક્રમમાં ઉપસ્થિત લગભગ ૫૦૦ જેટલા યુવાનોએ વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવા અને કૃષિ આધારિત વ્યવસાયને ખેડૂતહિતનું માધ્યમ બનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. સેલના સંયોજક ડૉ. વિનુ રામાણીએ યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જેમ કેરી ખાવા માટે અગાઉથી આંબો વાવવો પડે છે, તેમ આત્મનિર્ભરતા અને સફળતા માટે વ્યવસાયનું બીજ પણ આજથી જ મનમાં વાવવું પડશે. સેલના સહ-સંયોજક મહેશ પટેલે યુવાનોની ઉત્સાહભરી ભાગીદારીને બિરદાવી હતી.
સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આયોજન કરાશે: હિરેન હિરપરા
કિસાન મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ પોતાના ખાસ સંદેશમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત નિર્માણમાં યુવા શક્તિ અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખ્યા છે. કિસાન મોરચાનો આ પ્રયોગ યુવાનોને કૃષિ ક્ષેત્રે નવી તકો અને સરકારી યોજનાઓ સાથે જોડવાની એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે આ સફળ કાર્યક્રમને આગામી દિવસોમાં કિસાન મોરચા દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં યોજવામાં આવશે.
અહેવાલ : ચેતન રાજપૂત
