મુખ્ય હાઇલાઇટ્સ:
- પ્રવાસીઓમાં ગણગણાટ: માઉન્ટ આબુ જતા પ્રવાસીઓમાં ટેક્સ અને દંડને લઈને ભારે ચર્ચા અને આક્રોશ.
- ગુજરાતીઓ સોફ્ટ ટાર્ગેટ: ગુજરાત પાસિંગની ગાડી દેખાતાં જ સ્થાનિક તંત્ર વધુ સક્રિય થતું હોવાનો આક્ષેપ.
- ખિસ્સું ખાલી થવાનો ડર: પ્રવાસીઓ મજાક અને ચિંતા સાથે કહી રહ્યા છે કે ‘કપડાં ઓછા લાવજો, પણ દંડના પૈસા વધુ રાખજો’.
- દંડની સ્પીડ: આબુના ચેકપોસ્ટ અને રસ્તાઓ પર દંડ ફાડવાની સ્પીડ જાણે રોકેટ ગતિએ ચાલતી હોવાનો ગણગણાટ.
ગુજરાતીઓનું મનપસંદ સ્થળ હવે ખિસ્સું હળવું કરનારું બન્યું?
ગુજરાતીઓ માટે વીકેન્ડ કે વેકેશન માણવાનું સૌથી નજીકનું અને મનપસંદ હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. પરંતુ હાલમાં સોશિયલ મીડિયાથી લઈને પ્રવાસીઓ વચ્ચે એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે. આબુ જઈ રહેલા લોકો હવે કહી રહ્યા છે કે, “ત્યાં ફરવા જાવ તો કપડાં ભલે ઓછાં રાખજો… પણ દંડ ભરવાના પૈસા ખિસ્સામાં થોડા વધારે રાખજો!”
ગુજરાતની નંબર પ્લેટ જોતાં જ તંત્ર એક્શનમાં!
પ્રવાસીઓ વચ્ચે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે માઉન્ટ આબુની સરહદમાં પ્રવેશતાની સાથે જ જો તમારી ગાડી પર ગુજરાતની નંબર પ્લેટ લાગેલી હશે, તો સામેવાળાના ચાલાન ફાડવાના મશીન જાણે સુપર એક્સપ્રેસ સ્પીડે દોડવા માંડે છે! ટ્રાફિકના નિયમો કે અન્ય બહાના હેઠળ ગુજરાતી પ્રવાસીઓને રોકીને મોટી રકમનો દંડ ફટકારવામાં આવતો હોવાનો ગણગણાટ પ્રવાસીઓમાં જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રવાસીઓનો આક્રોશ અને મીમ્સ
આબુમાં સ્થાનિક પ્રશાસન દ્વારા થતી આ કડક વસૂલાતને કારણે પ્રવાસીઓમાં ભારે નારાજગી છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરી રહ્યા છે. પર્યટકોનું કહેવું છે કે અન્ય રાજ્યોની ગાડીઓ કરતાં ગુજરાત પાસિંગના વાહનોને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે, જેના કારણે હવે આબુ જતાં પહેલાં લોકોએ પોતાના બજેટમાં ‘દંડનો ખર્ચો’ પણ અલગથી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અહેવાલ: ફારૂકભાઈ બિલખીયા
