અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. જિલ્લા મહામંત્રી હિરેન વિરડીયાએ સ્થાનિક લોકોની રજૂઆતોને પગલે PGVCL કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર જબરદસ્તીથી સ્માર્ટ મીટર થોપવાના પ્રયાસો કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. સરકાર માત્ર સામાન્ય જનતાને જ લક્ષ્યાંક બનાવી રહી છે તે બાબત અન્યાયી છે અને જો તંત્ર દ્વારા પરાણે મીટર લગાડવાની કામગીરી ચાલુ રખાશે, તો તેનું ગંભીર પરિણામ ભોગવવાની ચીમકી પણ તેમણે આપી હતી.
હિરેન વિરડીયાએ અધિકારીઓને આકરા પ્રહારો સાથે પડકાર ફેંક્યો હતો કે, જો તંત્રને સ્માર્ટ મીટરની પારદર્શિતા પર એટલો જ ભરોસો હોય તો તેની શરૂઆત સામાન્ય જનતાને બદલે ભ્રષ્ટાચારી નેતાઓના બંગલાઓથી કરવી જોઈએ. પાયાની સુવિધાઓ આપવાને બદલે જનતા પર નવો આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરતા તેમણે ઉમેર્યું હતું કે, પહેલા મોટા માથાઓના ઘરે મીટર લગાવો અને ત્યારબાદ જ જનતા પાસે આવજો. આ મુલાકાત દરમિયાન તેમણે લોકહિતમાં લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જેને પગલે PGVCL તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.
