મુખ્ય હાઇલાઇટ્સ:
- લાંચની માંગણી: કોર્ટના કેસમાં તરફેણમાં ચુકાદો અપાવવાના બદલામાં ક્લાર્કે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.
- સફળ ટ્રેપ: અમદાવાદ એસીબીની ટીમે નારણપુરા વિસ્તારમાં આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો.
- કોણ છે આરોપી: અશોકભાઈ માધવલાલ પટેલ, આસિસ્ટન્ટ ક્લાર્ક, અપીલ વિભાગ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ.
- તંત્રની કાર્યવાહી: એસીબીના પી.આઈ. કે.એન. સોલંકી અને તેમની ટીમ દ્વારા લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ.
ભદ્ર કોર્ટના ક્લાર્કનું એસીબીના છટકામાં રંગેહાથ પકડાયા
અમદાવાદ શહેર એસીબીએ ભ્રષ્ટાચાર સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર ખાતે અપીલ વિભાગમાં આસિસ્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ માધવલાલ પટેલને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદીના મકાન પાસે પડોશી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ બાબતે કોર્ટમાં દાવો ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટ કમિશનર તરીકે નિમણૂક પામેલા આરોપી અશોકભાઈ પટેલે ફરીયાદીને તેમની તરફેણમાં ચુકાદો અપાવી દેવાની લાલચ આપી હતી અને બદલામાં ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરીક દ્વારા અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરીયાદના આધારે એસીબીની ટીમે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધરતી સર્કલ પાસે મેલડી માતાના મંદિરની સામે સફળ છટકાનું આયોજન કર્યું હતું. આરોપી અશોકભાઈ પટેલ ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબી દ્વારા લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં એસીબીના પી.આઈ. કે.એન. સોલંકી અને તેમનો સ્ટાફ તથા સુપરવિઝન અધિકારી એમ.એચ. પુવાર અને ઇન્ચાર્જ નાયબ નિયામક હરેશ મેવાડાની ટીમની મહત્વની ભૂમિકા રહી હતી.
અહેવાલ:મહેશભાઈ જળું
