મુખ્ય હાઇલાઇટ્સ:
- ભાવનગર રેન્જ આઈજીપી આર.વી.અસારી અને અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ વોરંટની બજવણી માટે ખાસ ઝુંબેશ.
- રાજુલા કોર્ટના પરચુરણ ફોજદારી અરજી કેસમાં ૨૨૦ દિવસની સાદી કેદની સજાના વોરંટથી નાસતા ફરતો આરોપી ઝડપાયો.
- રાજુલા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ મેતરની કરાઈ ધરપકડ.
- રાજુલા ડીવાયએસપી નયના ગોરડીયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરાની સૂચનાથી પોલીસ ટીમે પાર પાડ્યું ઓપરેશન.
ભરણપોષણની રકમ ન ચૂકવનાર આરોપી સામે કોર્ટે ઇશ્યુ કર્યું હતું સજા વોરંટ
અમરેલી જિલ્લામાં અદાલતી હુકમોનું પાલન કરાવવા અને કોર્ટમાં હાજર ન રહીને નાસતા ફરતા વોરંટી ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈજીપી આર.વી.અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની ખાસ સૂચનાઓ અનુસાર ગંભીર ગુનાઓ અને ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂર કરતા તેમજ કોર્ટની મુદતે ગેરહાજર રહેતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા આદેશ અપાયા હતા. આ અનુસંધાને રાજુલા ટાઉન વિસ્તારમાં ભરણપોષણની રકમ આપવાના કેસમાં અદાલતના હુકમની અવગણના કરનાર સામે કાર્યવાહી કરાઈ છે.
૨૨૦ દિવસની સાદી કેદની સજાના વોરંટમાં આરોપીની ધરપકડ
નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજુલા કોર્ટ દ્વારા પરચુરણ ફોજદારી અરજી નંબર ૫૦/૨૦૨૬ ના કામે આરોપી વિરુદ્ધ ૨૨૦ દિવસની સાદી કેદની સજાનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપી લાંબા સમયથી કોર્ટ સમક્ષ હાજર રહેતો ન હતો અને ભરણપોષણની રકમ ચૂકવવામાં પણ કસૂર કરી નાસતો ફરતો હતો. રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરાની સીધી સૂચનાથી પોલીસ ટીમે બાતમીના આધારે વોરંટના આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજુલા ઘાંચીવાડના શખ્સને દબોચી કાયદેસરની કાર્યવાહી કરાઈ
મળેલી ચોક્કસ બાતમી અને ટેક્નિકલ સોર્સના આધારે રાજુલા પોલીસ સ્ટેશનના ટાઉન બીટના હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ સોમાતભાઈ બાંભણિયા, પ્રકાશભાઈ શામજીભાઈ બાબરીયા, ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ તુલસીભાઈ મકવાણા અને શંભુભાઈ લાભુભાઈ વાઘેલાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટીમે રાજુલા ટાઉન વિસ્તારમાંથી સજાના વોરંટમાં નાસતા ફરતા તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ મેતર (ઉંમર વર્ષ ૩૨, ધંધો: ડ્રાઇવિંગ, રહે. રાજુલા ઘાંચીવાડ, તા. રાજુલા) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાયદેસરની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : જીજ્ઞેશ બારૈયા
