મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરા પોલીસ સ્ટેશનના એક વર્ષ જૂના ઘરફોડ ચોરીના ગુનામાં લિસ્ટેડ નાસતો-ફરતો આરોપી પોરબંદર બસ સ્ટેન્ડ ખાતેથી દબોચી લેવાયો.
- નાની કુંડળ ગામની સીમમાં દિવસના સમયે તાળાં તોડી સોનાનો હાર, બુટ્ટી અને રોકડ રકમની ચોરી આચરી હતી.
- ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નવાણીયા ગામના ૨૦ વર્ષીય શખ્સ સંજય ઉર્ફે સીજે વાઘેલા સામે કોર્ટે ઇશ્યુ કર્યું હતું પકડ વોરંટ.
- રાજકોટ, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના પાંચ જેટલા ગંભીર ગુનાઓમાં સંકળાયેલો છે આરોપી.
પોરબંદર બસ સ્ટેન્ડ ખાતેથી સચોટ બાતમીના આધારે આરોપી ઝડપાયો
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ કેદીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સપેક્ટર સી. પી. વાઘેલાના માર્ગદર્શન અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સપેક્ટર એન. જી. સાપરાના સીધા સુપરવિઝન હેઠળ ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને માનવ ઇન્ટેલિજન્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે બાબરા પોસ્ટેના ચોરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી પોરબંદર ખાતે છે. આ બાતમીના આધારે પેરોલ ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપીને તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ પોરબંદર બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બાબરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ધરી છે.
નાની કુંડળ ગામની સીમમાં ઘરના તાળાં તોડી આચરી હતી ચોરી
આ બનાવની વિગત એવી છે કે આશરે એક વર્ષ પહેલાં આરોપી અને તેના સાગરીતોએ બાબરા તાલુકાના નાની કુંડળ ગામની વાડીની સીમમાં આવેલા એક મકાનને નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે ઘરના દરવાજાના તાળાં અને નકુચા તોડી ઘરમાં રાખેલી તિજોરીમાંથી સોનાનો હાર, સોનાની બુટ્ટીઓ તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં આરોપીનું નામ ખુલતાં નામદાર કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૭૨ મુજબનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું, જેના કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરી સહિતના પાંચ ગંભીર ગુનાઓનો ઇતિહાસ
ઝડપાયેલ આરોપી સંજય ઉર્ફે સીજે મનુભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૨૦, ધંધો ખેતમજૂરી, રહે. નવાણીયા, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) નો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી સામે અગાઉ રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે ગુના, રાજકોટ ગ્રામ્યના વીંછીયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો, ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત તેમજ અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ સફળ કામગીરીમાં પીઆઈ સી. પી. વાઘેલા, પીએસઆઈ એન. જી. સાપરા, એએસઆઈ જી. એમ. નગવાડીયા, એ. એમ. સોલંકી અને ડ્રાઇવર અશ્વિનભાઈ ચાવડા જોડાયા હતા.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
