રાજુલા:
રાજુલા તાલુકાના હિંડોરણા ગામ પાસે આવેલી ધાતરવડી નદીમાં ડૂબી જવાથી એક પ્રૌઢનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંડોરણા ગામમાં જ રહીને મજૂરી કામ દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ૫૬ વર્ષીય લાલજીભાઈ પથુભાઈ સોલંકી નદીના પુલ નજીક આવેલા પટમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેઓ નદીના પટમાં આવેલા પાણીના ઊંડા ખાડામાં એકાએક ડૂબી ગયા હતા.
આ અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો અને તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ લાલજીભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં તેમનો જીવ બચી શક્યો ન હતો. આ દુઃખદ ઘટનાને પગલે મૃતક શ્રમિકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર હિંડોરણા પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માતે ડૂબી જવાથી થઈ હોવાનું સામે આવ્યું છે, જે અંગે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બ્યુરો ચીફ રફીક ચૌહાણ
