ગુજરાત સરકારની ‘જ્યાં જનતા ત્યાં સુવિધા’ની નેમ હેઠળ રાજ્યના શિક્ષણ અને માળખાગત વિકાસને વધુ ઊંચાઈએ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વિશેષ પ્રયાસોથી અમરેલી અને કુંકાવાવ તાલુકાના ૩૬ ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે અંદાજે રૂા. ૯ કરોડ (રૂા. ૮,૯૬,૩૨,૦૦૦/-) જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના પાયા સમાન આંગણવાડીઓ સુવિધાઓથી સુસજ્જ અને આધુનિક બને તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
આ પ્રોજેક્ટની વિગતો આપતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમરેલી તાલુકાના ૧૬ અને કુંકાવાવ તાલુકાના ૨૦ ગામો મળી કુલ ૩૬ ગામોમાં આ નવા આંગણવાડી ભવનો તૈયાર કરવામાં આવશે. દરેક આંગણવાડી કેન્દ્રના મકાનનું બાંધકામ અંદાજે રૂા. ૨૫ લાખના ખર્ચે કરવામાં આવશે. આધુનિક શૈક્ષણિક સાધનો અને સુવિધાઓ ધરાવતા આ નવા બિલ્ડીંગો કાર્યરત થવાથી ગ્રામીણ વિસ્તારના ભૂલકાઓને ઉત્તમ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ વાતાવરણ મળી રહેશે. આ નિર્ણયથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
