મુખ્ય હાઇલાઇટ્સ:
- કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થવાને ખેડૂતોની લાંબી લડત અને એકતાની જીત ગણાવતા ઇસુદાન ગઢવી.
- સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર ૮,૫૦૦ રૂપિયા સહાય આપીને ખેડૂતોની મજાક કરાઈ હોવાનો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો આક્ષેપ.
- પશુઓ માટે બે મહિનાનો માત્ર ૮૦ રૂપિયા પ્રતિ પશુ ઘાસચારાનો સહારો ઊંટના મોઢામાં જીરું સમાન હોવાની પ્રતિક્રિયા.
- સૌની યોજનાનું સિંચાઈ પાણી ન આપવાના નોટિફિકેશન સામે વાંધો ઉઠાવીને માંગ ન સંતોષાય તો વર્ષ ૨૦૨૭માં સરકાર બદલવાની ચેતવણી.
ખેડૂતોની એકતા અને લડતનું પરિણામ: ઇસુદાન ગઢવી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા એ અનિશ્ચિતકાલીન ધરણા અને ખેડૂતોની લાંબી લડત તથા એકતાની મોટી જીત છે. આ કોઈ વ્યક્તિગત કે પક્ષની જીત નથી પરંતુ ખેડૂતોની પીડાનું પરિણામ છે, તેથી ક્રેડિટ મેળવ્યા વગર આજે તમામ ખેડૂતો પોતપોતાના ઇષ્ટદેવ દ્વારકાધીશ અને સોનલમાઁ સમક્ષ દીવડો પ્રગટાવીને આભાર વ્યક્ત કરશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે હજુ બનાસકાંઠા સહિતના અનેક સૂકાગ્રસ્ત વિસ્તારો આ જાહેરાતથી વંચિત છે.
ઓછી સહાય અને પશુઓ માટેના ઘાસચારા સામે રોષ
સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય સામે રોષ વ્યક્ત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર તો કર્યું પરંતુ અગાઉ કમોસમી વરસાદ વખતે નિયમો મુજબ હેક્ટર દીઠ ૨૨,૦૦૦ રૂપિયા અપાતા હતા, તેને બદલે માત્ર ૮,૫૦૦ રૂપિયા હેક્ટર દીઠ આપીને ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. આ ઉપરાંત પશુઓ માટે બે મહિના સુધી માત્ર ૮૦ રૂપિયા પ્રતિ પશુ દીઠ ઘાસચારાની સહાય અપાઈ છે જે ઊંટના મોઢામાં જીરું સમાન છે. મનરેગા યોજનામાં પણ વધારાના નાણાં કે રાહત કાર્યોના પૂરતા દિવસો ન આપીને મજૂરો, શ્રમિકો અને જમીન ભાગમાં રાખનાર ભાગિયાઓની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે.
સિંચાઈ પાણી ન મળવા સામે આંદોલનની ચીમકી અને ૨૦૨૭માં સરકાર બદલવાની ચેતવણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા છતાં સરકારે નોટિફિકેશન બહાર પાડીને સૌની યોજનાનું સિંચાઈ માટેનું પાણી આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે, જેથી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણી ન મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. ઉદ્યોગપતિઓને પાણી આપવા સામે કોઈ વાંધો નથી, પરંતુ ખેતીની આજીવિકા પર નભતા પીડિત ખેડૂતોને આ સમયે પાણી આપવું જ પડશે અને આ નોટિફિકેશન રદ કરવું પડશે. ખેડૂતોની માંગ પંજાબ સરકારની જેમ હેક્ટર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા અથવા ગુજરાત સરકારના પોતાના નિયમ મુજબ ૪૪,૦૦૦ રૂપિયા સહાય ચૂકવવાની છે. જો સરકાર સિંચાઈનું પાણી અને પૂરતી સહાય ન આપે તો ખેડૂતોની આ લડત ચાલુ રહેશે અને વર્ષ ૨૦૨૭માં ભાજપ સરકારને બદલીને જનતા જડબાતોડ જવાબ આપશે.
અહેવાલ : ચેતન રાજપૂત
