મુખ્ય હાઇલાઇટ્સ:
- લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ૨૩ થી ૨૬ ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેરનું ભવ્ય આયોજન.
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે થયો શુભારંભ.
- ૫૦૦ થી વધુ પ્રદર્શનકારો અને ૧ લાખથી વધુ મુલાકાતીઓની ભાગીદારી; પ્રદર્શનમાં ઈન્ફ્લુએન્સર મીટ અને રોજગાર મેળો બનશે મુખ્ય આકર્ષણ.
- જીસીસીઆઈ તેમજ રાજ્યના વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોના પૂર્ણ સમર્થન સાથે એમએસએમઈ ક્ષેત્રને મળશે નવી ઉચ્ચાઈ.
ગાંધીનગરમાં ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬ નો પ્રારંભ
દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ના સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજીના આદાન-પ્રદાન અને નવી વ્યાપારિક તકોના સર્જન અર્થે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) દ્વારા ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ૨૩ થી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ ચાર દિવસીય વિશાળ ઔદ્યોગિક પ્રદર્શનનો વિધિવત્ શુભારંભ તા. ૨૩ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવોની ગૌરવપૂર્ણ હાજરી
આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદજી, ગુજરાત પ્રાંત આરએસએસના સહ સંચાલક ડૉ. ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રભારી ઘનશ્યામભાઈ ઓઝા, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાન સહિતના અનેક વરિષ્ઠ મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મંત્રી હંસરાજભાઈ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી વજુભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી જયકુમાર માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મંત્રી અશોકભાઈ પટેલ, કર્ણાવતી પ્રમુખ જયકલ્પ પટેલ અને મંત્રી મેહુલભાઈ યાદવ સહિતના હોદ્દેદારો અને એક્ઝિબિશન કમિટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઈન્ફ્લુએન્સર મીટ અને રોજગાર મેળો બનશે આકર્ષણનું કેન્દ્ર
ચાર દિવસીય પ્રદર્શન દરમિયાન વિવિધ વિશેષ આયોજનો પણ હાથ ધરવામાં આવ્યા છે. પ્રદર્શનના બીજા દિવસે એટલે કે ૨૪ ઓક્ટોબરના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે કન્વેન્શન હોલ ખાતે “ગુજરાતની લાર્જેસ્ટ ઈનફ્લુએન્સર મીટ” નું આયોજન કરાયું છે, જેમાં નવી વ્યાપારિક તકો અને નેટવર્કિંગ પર મંથન થશે. આ ઉપરાંત ઉદ્યોગો માટે કુશળ માનવબળ અને યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવાના ઉદ્દેશથી અંતિમ દિવસે, ૨૬ ઓક્ટોબરના રોજ એક વિશાળ ‘રોજગાર મેળો’ પણ યોજાશે.
૫૦૦ થી વધુ પ્રદર્શનકારો અને ૧ લાખ મુલાકાતીઓ ભાગ લેશે
આ પ્રદર્શનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ અને વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે. આ ઔદ્યોગિક મેળામાં ૫૦૦ થી વધુ પ્રદર્શનકારો અને ૧ લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો માટે આ પ્રદર્શન વ્યાપારિક સંપર્કો વિકસાવવા અને નવા સપ્લાયર્સ શોધવા માટેનું અત્યંત મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે.
અહેવાલ: ચેતન રાજપૂત
