મુખ્ય હાઇલાઇટ્સ:
- ઇંગોરાળા ગામ નજીક પીપાવાવથી ઢસા જતી માલગાડીની ટક્કરે એક સિંહ ગંભીર રીતે ઘાયલ થયો.
- ઇલેક્ટ્રિક પીલર નજીકથી બે સિંહો ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે સર્જાઈ ભયાનક દુર્ઘટના.
- રેલવે ટ્રેક પરથી સિંહની પૂંછડીનો કપાયેલો ભાગ મળતાં વન વિભાગ દ્વારા હાથ ધરાયું સઘન સ્કેનિંગ.
- ટ્રેકર, રેલવે સેવક અને ફેન્સિંગની એસઓપી હોવા છતાં અકસ્માતો ન અટકતાં વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ.
દામનગર-લીલીયા રેલવે ટ્રેક પર વધુ એક વનરાજ અકસ્માતનો ભોગ બન્યો
અમરેલી જિલ્લામાં સાવજોની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. દામનગરથી લીલીયા વચ્ચે આવેલા ઇંગોરાળા ગામ નજીક વહેલી સવારે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. પીપાવાવ બંદરથી ઢસા તરફ જઈ રહેલી માલગાડીની ઝપેટમાં આવી જતાં એક એશિયાટીક સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બનાવને પગલે અમરેલી જિલ્લાના વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે અરેરાટી અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
બે સિંહો ટ્રેક ઓળંગતા હતા ત્યારે ઘટી ઘટના; પૂંછડીનો કપાયેલો ભાગ મળ્યો
મળતી વિગતો અનુસાર, ઇલેક્ટ્રિક પીલર નંબર ૧૮/૯ અને ૧૮/૮ વચ્ચેથી બે સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે જ સમયે પુરપાટ આવતી માલગાડીની અડફેટે એક સિંહ આવી ગયો હતો. અકસ્માત સર્જાતાં જ માલગાડીને તાત્કાલિક સ્થળ પર જ રોકી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે તપાસ હાથ ધરતાં રેલવે પાટા પરથી સિંહની પૂંછડીનો કપાયેલો ભાગ મળી આવ્યો હતો. આ ભયાનક બનાવની જાણ થતાં જ વન વિભાગનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સ્કેનિંગ હાથ ધરીને લોહીના નિશાન અને પગમાર્ક આધારે ઈજાગ્રસ્ત સિંહની શોધખોળ તેમજ ત્વરિત સારવાર માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
રેલવે અને વન વિભાગની સંયુક્ત એસઓપી માત્ર કાગળ પર?
રેલવે ટ્રેક પર વનરાજોના અકસ્માતો રોકવા માટે ટ્રેક આસપાસ ફેન્સિંગ કરવા, ઝાડી-ઝાંખરાં દૂર કરવા તેમજ ટ્રેકર અને રેલવે સેવકોની તૈનાતી જેવી વન વિભાગ અને રેલવે વિભાગની સંયુક્ત એસઓપી (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અમલમાં હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારની એસઓપી અમલમાં હોવા છતાં પણ સતત બની રહેલી આવી ગંભીર દુર્ઘટનાઓએ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વન્યજીવ પ્રેમીઓએ માંગ કરી છે કે માત્ર કાગળ પર યોજનાઓ બતાવવાને બદલે ટ્રેક પર ટ્રેનોની સ્પીડ લિમિટ અને સિંહોની સુરક્ષા માટે કડક અમલવારી કરવામાં આવે.
એહવાલ ફારૂક બિલખીયા અમરેલી
