મુખ્ય હાઇલાઇટ્સ:
- સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો.
- અમરેલી એલસીબી પોલીસે સચોટ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે મધ્યપ્રદેશના આરોપીને પકડી પાડ્યો.
- પકડાયેલ આરોપી રામસિંગ ઉર્ફે રામુ અજનાર પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
- આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો.
નાસતા-ફરતા આરોપીઓને પકડવા અમરેલી પોલીસની વિશેષ ઝુંબેશ
ભાવનગર રેન્જના આઈજીપી આર. વી. અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા-ફરતા લિસ્ટેડ આરોપીઓ અને જેલમાંથી ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી એલસીબીની ટીમ સતત વોચ અને પેટ્રોલીંગમાં હતી.
ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો મધ્યપ્રદેશનો આરોપી દબોચાયો
અમરેલી એલસીબી પોલીસ ઇન્સપેક્ટર સી. પી. વાઘેલાના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ રામસિંગ ઉર્ફે રામુ કાલુસિંગ અજનાર (ઉંમર વર્ષ ૨૮, રહે. રાતમાલીયા, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) તરીકે થઈ છે.
એલસીબી ટીમે હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી
ઝડપાયેલા લિસ્ટેડ આરોપીને આગળની ધોરણસરની કાર્યવાહી અને તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ સી. પી. વાઘેલા, પીએસઆઈ એમ. ડી. ગોહિલ, પીએસઆઈ જે. ડી. વાઘેલા, એએસઆઈ યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઈ અમરેલીયા, ઘનશ્યામભાઈ મકવાણા, હરેશસિંહ પરમાર તેમજ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા, આદિત્યભાઈ બાબરીયા અને તુષારભાઈ પાંચાણી રોકાયેલા હતા.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
