મુખ્ય હાઇલાઇટ્સ:
- લીલીયા તાલુકાના ક્રાકચ ગામે ગત રાત્રિએ ૭૦ વર્ષીય વૃદ્ધા પર છરી વડે પ્રાણઘાતક હુમલો કરનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો.
- પ્રેમસંબંધનો અંત આવતાં દાઝ રાખીને હોમ બ્રેકિંગ કરી વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો.
- લીલીયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને હથિયારબંધી જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
- ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી જયંતિ ઉર્ફે ઘુઘાને દબોચી લેતી લીલીયા પોલીસ ટીમ.
પ્રેમસંબંધનો અંત આવતાં દાઝ રાખીને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી હુમલો કરાયો
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને સાવરકુંડલા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા દ્વારા અનડીટેક્ટ ગુનાઓ ઉકેલવા અપાયેલી કડક સૂચનાઓ અન્વયે લીલીયા પોલીસે મોટી સફળતા મેળવી છે. લીલીયા પોલીસ મથક વિસ્તારના ક્રાકચ ગામે રહેતાં ૭૦ વર્ષીય અંબાબેન નાનજીભાઈ પરમાર ગત તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે જમીને પોતાના ઘરે રૂમમાં સૂતા હતા. તે દરમિયાન આરોપી જયંતિભાઈ ઉર્ફે ઘુઘો ગોકુળભાઈ ઝાલાવાડીયા (ઉંમર વર્ષ ૪૯, ધંધો ડ્રાઇવિંગ, મૂળ રહે. ક્રાકચ, હાલ રહે. સુરત) નામના શખ્સે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. અંબાબેનની દીકરી જસુબેને આરોપી સાથેનો પ્રેમસંબંધ પૂરો કરી દીધો હોય, તેની અદાવત રાખીને આરોપીએ આ ગંભીર કૃત્ય આચર્યું હતું.
વૃદ્ધાએ છરી પકડી લેતાં બંને હાથમાં ૨૩ ટાંકા આવ્યા; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આરોપીએ ઘરમાં ઘૂસી અંબાબેનને ધક્કો મારી પાડી દીધા હતા અને ગાળો આપી પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંબાબેને પ્રતિકાર કરતાં બંને હાથ વડે છરી પકડી લેતાં તેમને હાથના ભાગે ત્રેવીસ જેટલા ટાંકા આવ્યા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલા બાદ આરોપી અંબાબેન તથા જસુબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. આ અંગે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૯(૧), ૩૩૧(૮), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨ તેમજ હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટેકનિકલ અને માનવ સ્રોતના આધારે ગણતરીની કલાકોમાં આરોપી જેલહવાલે
કેસની તપાસ લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય. એમ. જાડેજાને સોંપવામાં આવી હતી. લીલીયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આ ખૂનની કોશિશના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મૂળ ક્રાકચના અને હાલ સુરત રહેતા આરોપી જયંતિભાઈ ઉર્ફે ઘુઘાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ વાય. એમ. જાડેજા, સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, ભુજબલદાન તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ, દિલીપભાઈ અને કુલદીપભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
