મુખ્ય હાઇલાઇટ્સ:
- આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ.
- ૨૬ વર્ષ અગાઉ ૮૫,૦૦૦ રૂપિયાની નોકર ચોરી કરી ફરાર થયેલો આરોપી પકડાયો.
- ભાવનગરના શિહોર તાલુકાના ટાણા ગામનો મૂળ વતની આરોપી સુરતમાં સરનામાં બદલીને રહેતો હતો.
- બોરસદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સુરતથી દબોચ્યો.
૨૬ વર્ષ જૂના નોકર ચોરીના ગુનાનો ઉકેલ, બોરસદ પોલીસને મળી મોટી સફળતા
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી દ્વારા જિલ્લામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે બોરસદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. કહા૨ના માર્ગદર્શન હેઠળ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જાદવ અને તેમની સર્વેલન્સ ટીમે વિશેષ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ૨૬ વર્ષ અગાઉ રૂ. ૮૫,૦૦૦ ની નોકર ચોરી કરીને ભાગી ગયેલા શાતિર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
સુરતમાં વારંવાર સરનામાં બદલી પોલીસને આપતો હતો થાપ
પોલીસ તપાસ દરમિયાન વિગતો સામે આવી હતી કે મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામના ભીડભંજન મહાદેવ મંદિર પાસે રહેતો આરોપી મનોજકુમાર નાનુભાઈ જોષી ચોરી કર્યા બાદ પોતાના વતનથી ભાગીને સુરત શહેર વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો. પોલીસ પકડથી બચવા માટે તે સુરતમાં સતત પોતાના રહેઠાણના સરનામાં વારંવાર બદલ્યા કરતો હતો, જેના કારણે તેને પકડવો મુશ્કેલ બની રહ્યો હતો.
ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઘરથી જ દબોચાયો
બોરસદ ટાઉન પોલીસની સર્વેલન્સ સ્કવોડે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક હ્યુમન સોર્સિસની ચોક્કસ માહિતીના આધારે આરોપીના સુરત ખાતેના નવા ઘરનું સરનામું શોધી કાઢ્યું હતું. પોલીસે સુરતના છાપરા ભાઠા વિસ્તારમાં આવેલ પટેલ પાર્ક, મકાન નંબર ૧૭૯ ખાતેથી આરોપી મનોજકુમાર નાનુભાઈ જોષીને દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જાદવ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી
