મુખ્ય હાઇલાઇટ્સ:
- હિમાલયા મોલ પાસે વર્ષોથી ચણીયા-ચોળી વેચી રોજીરોટી કમાતી મહિલાઓ અને નાના વેપારીઓના પાથરણા હટાવાયા.
- નવરાત્રિ અને દિવાળીના તહેવારો ટાણે જ મહાનગરપાલિકા દ્વારા માલ-સામાન જપ્ત કરાતાં વેપારીઓમાં ભારે રોષ.
- કોઈ આલીશાન શો-રૂમ કે દુકાન વગર ખુલ્લા આકાશ નીચે બે ટંકનો રોટલો રળતા ગરીબોની આજીવિકા સામે સંકટ.
- કમિશનર અને સત્તાધીશો સામે સવાલો: તહેવારોમાં ગરીબોને હેરાન કરવાને બદલે વૈકલ્પિક જગ્યા ફાળવવા ઉગ્ર માગ.
તહેવારોની સીઝનમાં જ ગરીબોના પાથરણા ઉઠાવાતાં રોજીરોટીનો પ્રશ્ન ગંભીર બન્યો
ભાવનગર મહાનગરપાલિકા અને તેના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશનો ભોગ આજે ફરી એકવાર ગરીબ અને નાના વેપારીઓ બન્યા છે. શહેરના હિમાલયા મોલ પાસે છેલ્લા ઘણા વર્ષોથી નાના અને ગરીબ વેપારીઓ, જેમાં મુખ્યત્વે મહિલાઓ પોતાના નાના બાળકો સાથે બેસીને ચણીયા-ચોળીનો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ લોકો પાસે કોઈ આલીશાન દુકાનો કે શો-રૂમ નથી, પરંતુ ખુલ્લા આકાશ નીચે રોડ પર પાથરણા પાથરીને મહેનત કરી બે ટંકનો રોટલો કમાય છે. આ ગરીબ પરિવારોનો આખો આધાર નવરાત્રિ અને દિવાળી જેવા આગામી તહેવારો પર જ હોય છે. આખું વર્ષ તેઓ આ ૧૦-૧૫ દિવસની સીઝનની રાહ જોતા હોય છે જેથી થોડી કમાણી કરીને પરિવારનું પેટ ભરી શકે.
મોટા મોલ સામે મૌન અને ગરીબ મહિલાઓના પાથરણા સામે તંત્રનો કોપ
આવા કપરા સમયે જ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનરને કાયદાનું પાલન યાદ આવ્યું છે અને ગરીબોના પાથરણા ઉઠાવીને તેમનો માલ-સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. તંત્રની આ કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકો અને વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે કે, મોટા મોટા મોલ અને મોટી આલીશાન દુકાનોના ગેરકાયદે દબાણો સામે આંખ આડા કાન કરનાર મહાનગરપાલિકાને માત્ર ગરીબ મહિલાઓના ત્રણ ફૂટના પાથરણામાં જ દબાણ દેખાય છે? તહેવારોના સમયે જ આ પ્રકારે આજીવિકા છીનવી લેવાતાં ગરીબ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ, વૈકલ્પિક જગ્યા ફાળવવા જોરદાર માગણી
આ કાર્યવાહી બાદ હવે મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ગરીબ માણસો ક્યાં જશે અને તેમની રોજીરોટીનો ઉકેલ કોણ લાવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનર સાહેબ આ ગરીબોની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવે તેવી માગ ઉઠી રહી છે. તહેવાર ટાણે ગરીબોને હેરાન-પરેશાન કરવાને બદલે તેમને ધંધો કરવા માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવી આપવી જોઈએ. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેમને વેપાર કરવા દેવામાં નહીં આવે તો નાના વેપારીઓ અને સ્થાનિકોમાં ઉગ્ર આંદોલનનો રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
