મુખ્ય હાઇલાઇટ્સ:
- જામનગર જિલ્લા કલેક્ટરની કામગીરી અને સોગંદનામા સામે ગુજરાત હાઈકોર્ટે દર્શાવી ગંભીર નારાજગી.
- એન.એ. પરવાનગી નકારવાના કેસમાં કાયદા કે હાઈકોર્ટના ચુકાદાને બદલે માત્ર સરકારી પરિપત્રનો આધાર લેવા બદલ ફટકાર.
- મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (એસીએસ) ને રાજ્યના તમામ રેવન્યુ ઓફિસરોને કાયદાકીય તાલીમ આપવા આદેશ.
- પરિપત્ર એક્ઝિક્યુટિવ સૂચના છે તે કાયદો નથી; કેસની વધુ સુનાવણી ૨૪ મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સોગંદનામાને તિરસ્કારજનક ગણાવી હાઈકોર્ટે લીધો ઉધડો
ગુજરાત હાઈકોર્ટે જામનગર જિલ્લા કલેક્ટરની કામગીરી સામે ભારે અસંતોષ અને ગંભીર નારાજગી વ્યક્ત કરીને તેમના દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને પ્રથમદર્શનીય રીતે તિરસ્કારજનક ગણાવ્યું છે. જસ્ટિસ નિરલ આર. મહેતાની સિંગલ બેંચે આ કડક વલણ અપનાવતા રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (એસીએસ) ને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ મહેસૂલી અધિકારીઓ કાયદાનું પાલન કરે તે માટે તેમને વિશેષ તાલીમ આપવાની સૂચના આપી છે.
એન.એ. પરવાનગી રદ કરવા મુદ્દે કલેક્ટરે આપ્યો હતો પરિપત્રનો હવાલો
સમગ્ર કાનૂની વિવાદની વિગત એવી છે કે એન.એ. પરવાનગી નકારવાના એક કેસમાં હાઈકોર્ટે સિવિલ કોર્ટમાં પેન્ડિંગ કેસ અને સાત-બારના ઉતારામાં લિસ પેન્ડેન્સની નોંધના આધારે કઈ કાયદાકીય જોગવાઈ હેઠળ પરવાનગી નકારાઈ છે તેનો કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો. જોકે કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં હાઈકોર્ટના ચુકાદાઓ કે કાયદાકીય કલમો દર્શાવવાને બદલે માત્ર રાજ્ય સરકારના ૧૦ માર્ચ ૨૦૨૨ ના પરિપત્રનો હવાલો આપવામાં આવ્યો હતો. આ વલણ સામે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
પરિપત્ર કાયદો નથી, કાયદાની તાલીમ આપવા એસીએસને નિર્દેશ
હાઈકોર્ટે સખત શબ્દોમાં ટકોર કરી હતી કે સરકારી પરિપત્રો એ માત્ર વહીવટી સૂચનાઓ છે, તે કાયદો બની શકતા નથી. કાયદો અને વડી અદાલતના ચુકાદાઓ જ સર્વોપરી છે અને કોઈ પણ સરકારી ઠરાવ કે પરિપત્ર તેને ઓવરરાઈડ કરી શકે નહીં. મહેસૂલી અધિકારીઓ કાયદાકીય સિદ્ધાંતોને નજરઅંદાજ કરી માત્ર પરિપત્રો પર નિર્ભર રહે છે તે બાબત ગંભીર ગણાવીને કોર્ટે તમામ રેવન્યુ ઓફિસરોને કાયદાકીય જ્ઞાન આપવાની તાકીદ કરી છે. આ હાઈપ્રોફાઈલ કેસની વધુ સુનાવણી હવે આગામી ૨૪ સપ્ટેમ્બરે યોજાશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
