મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૦ તાલુકાઓમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ.
- વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૧૧૩ મીમી (૪.૪૫ ઇંચ) વરસાદ નોંધાયો.
- ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર મેઘ મહેરના આંકડા જાહેર.
- મોસમનો આ વરસાદ ઉભા પાક માટે સંજીવની સમાન, જોકે વધુ વરસાદ પડે તો ખેતીમાં નુકસાનની ભીતિ.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, ૨૪૦ તાલુકાઓ ભીંજાયા
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર તોફાની રીએન્ટ્રી કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૧૧૩ મીમી એટલે કે ૪.૪૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાલુકાવાર મેઘ મહેર
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ:
- ભાવનગર જિલ્લો: સમગ્ર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. જેમાં જેસરમાં ૨૨ મીમી, તળાજામાં ૨૦ મીમી, ગારિયાધાર અને પાલીતાણામાં ૧૮-૧૮ મીમી, મહુવામાં ૧૭ મીમી, સિહોરમાં ૧૨ મીમી, ઘોઘામાં ૧૧ મીમી, વલ્લભીપુરમાં ૮ મીમી, ભાવનગર શહેરમાં ૬ મીમી અને ઉમરાળામાં ૪ મીમી વરસાદ થયો છે.
- બોટાદ જિલ્લો: બરવાળા તાલુકામાં ૬૨ મીમી (૨.૪૪ ઇંચ), રાણપુરમાં ૪૫ મીમી (૧.૭૭ ઇંચ), ગઢડામાં ૨૦ મીમી અને બોટાદ શહેરમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.
- અમદાવાદ જિલ્લો: ધોળકા, ધંધુકા અને સાણંદ પંથકમાં ૩૦ થી ૪૫ મીમી સુધીનો વરસાદ થયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં હળવા ઝાપટાં પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- સુરેન્દ્રનગર જિલ્લો: ચૂડામાં ૭૨ મીમી, લીંબડીમાં ૪૫ મીમી, વઢવાણમાં ૩૫ મીમી, થાનગઢમાં ૩૦ મીમી અને ચોટીલામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે.
- ગાંધીનગર જિલ્લો: જિલ્લામાં સરેરાશ ૩૬.૫ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં માણસા તાલુકામાં સૌથી વધુ ૫૪ મીમી, ગાંધીનગરમાં ૪૮ મીમી, કલોલમાં ૨૬ મીમી અને દહેગામમાં ૧૮ મીમી વરસાદ થયો છે.
ખેતી પર અસર અને હવામાન વિભાગની આગાહી
હાલમાં થયેલો આ વરસાદ કપાસ, મગફળી, તલ અને બાજરી જેવા મોસમી પાકો માટે સંજીવની સમાન સાબિત થયો છે. પરંતુ જો આગામી ૨-૩ દિવસ સતત ૩ થી ૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડશે, તો ખેતરોમાં પાણી ભરાવાના કારણે કપાસમાં ફૂગ અને મૂળનો સડો, મગફળીમાં પીળિયો તેમજ શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ખેડૂતોને ખેતરોમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવા અને નદી-નાળાના પટમાં ન જવા અપીલ કરાઈ છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર: રાજેશ પરીખ
