મુખ્ય હાઇલાઇટ્સ:
- ખેતીવાડી વીજ લાઈનોમાં ખુલ્લા વાયરોને બદલે કવર્ડ કેબલ પાથરવા અને અગ્નિકાંડના વળતર નિયમો સુધારવા ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત.
- અમરેલી તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન નાથાલાલ સુખડીયાએ પત્ર લખી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી.
- માત્ર ઊભા પાક જ નહીં, પરંતુ ખળામાં બળી જતાં પાક અને પશુઓના ઘાસચારાના નુકસાનનું પણ વળતર ચૂકવવા પ્રબળ માંગ.
- શોર્ટ સર્કિટના કારણે થતા અકસ્માતો અટકાવવા અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા કાયમી ઉકેલ લાવવા અપીલ.
વીજ શોર્ટ સર્કિટના અગ્નિકાંડ સામે ખેડૂતોના હિતમાં રજૂઆત
ખેતીવાડી વિસ્તારોમાં વીજ લાઈનોમાં શોર્ટ સર્કિટના કારણે સર્જાતા અગ્નિકાંડ અને વીજ સમસ્યાઓથી પરેશાન ખેડૂતોના હિતમાં અમરેલી તાલુકા પંચાયતના સદસ્ય ભાવનાબેન નાથાલાલ સુખડીયા આગળ આવ્યા છે. તેમણે રાજ્યના ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખી ખેતીવાડી વીજ લાઈનોમાં અન્ડરગ્રાઉન્ડ કે કવર્ડ કેબલ પાથરવા તેમજ આગ અકસ્માતમાં ખેડૂતોને મળતા વળતરના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની ધારદાર રજૂઆત કરી છે.
ખળામાં સળગેલા પાક અને ઘાસચારાના નુકસાનને વળતર નીતિમાં આવરી લેવા માંગ
ઊર્જા મંત્રીને મોકલેલા પત્રમાં ભાવનાબેન સુખડીયાએ જણાવ્યું છે કે, ખેતરોમાં પાક તૈયાર હોય તે સમયે ખુલ્લી વીજ લાઈનોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાના અનેક બનાવો બને છે. હાલના ઊર્જા વિભાગના નિયમ મુજબ માત્ર ‘ઊભો પાક’ બળી જાય તો જ ખેડૂતને વળતર મળે છે. પરંતુ ખેડૂતે લણણી કરીને ખળામાં એકઠો કરેલો પાક, પશુઓ માટેનો ઘાસચારો કે કડબની ગંજી (ઓઘા) બળીને ખાખ થાય તો કોઈ જ વળતર મળતું નથી. ખેડૂતોના આ મોંઘા મૂલા નુકસાનને ધ્યાને રાખી વળતર નીતિમાં સુધારો કરી ખળાના પાક અને ઘાસચારાને પણ વળતર સહાયમાં આવરી લેવા ભારપૂર્વક માંગ કરાઈ છે.
ખુલ્લા વાયરોથી જાનમાલનું જોખમ અટકાવવા કેબલ નાખવા આયોજન જરૂરી
આ ઉપરાંત, ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં ઝાડી-ઝાંખરાના કારણે ખુલ્લા વાયરો પર જમ્પર બળી જવા કે ડીઓ ઉડી જવાના બનાવો રોજિંદા બન્યા છે. પરિણામે ખેડૂતોને પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતો નથી અને અવારનવાર આગ લાગવાથી જાનમાલનું પણ ભારે જોખમ સર્જાય છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેતીવાડી ફીડરોમાં તાત્કાલિક કવર્ડ કેબલ નાખવા માટેનું નક્કર આયોજન હાથ ધરવામાં આવે. ભાવનાબેન સુખડીયાએ અંતમાં ઉમેર્યું હતું કે, જો સરકાર દ્વારા ઝડપથી નિયમો સુધારવામાં આવે અને કેબલ પાથરવાનું કાર્ય હાથ ધરાય તો હજારો ધરતીપુત્રોને આગના જોખમોથી મુક્તિ મળશે અને સમયસર પૂરતી વીજળી મળી રહેશે.
