મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજુલા શહેરના સંધીચોક વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ૧૧ શખ્સોને દબોચી લેતી રાજુલા પોલીસ.
- આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૪૨,૦૦૦ અને ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ જપ્ત.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ.
- ટાઉન બીટ અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત ટીમે રેડ પાડી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી.
જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનું સધન ચેકિંગ
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા ખાસ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના અનુસંધાને રાજુલા ડિવિઝનના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદન અને રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી. એમ. કોલાદરાની દોરવણી હેઠળ રાજુલા ટાઉન બીટ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.
સંધીચોક વિસ્તારમાં દરોડો પાડી ૧૧ શખ્સોને ઝબ્બે કરાયા
દરમિયાન રાજુલા પોલીસની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે રાજુલા ટાઉનના સંધીચોક વિસ્તારમાં સરપ્રાઈઝ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ૧૧ પુરુષોને સ્થળ પર જ ઘેરીને પકડી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ રાજુલા ટાઉન અને આસપાસના વિસ્તારના રહીશ હોવાનું સામે આવ્યું છે.
રોકડા ₹૪૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા ₹૪૨,૦૦૦ અને ૫૨ નંગ ગંજીપત્તાના પાના જપ્ત કર્યા હતા. રાજુલા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી જીતુભાઈ ઉર્ફે ગોબરભાઈ સોલંકી, દાદુભાઈ બુકેરા, સિકંદરભાઈ જોખીયા, ઈમ્તિયાઝભાઈ ગોરી, સલીમભાઈ પઠાણ, અકબરભાઈ સૈયદ, મહમંદજેદ કાદરી, સલીમશાહ કનોજીયા, અયાઝભાઈ ગોરી, પ્રિન્સ પરમાર અને ઈરફાનભાઈ જોખીયા સામે આગળની કાયદેસરની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
