મુખ્ય હાઇલાઇટ્સ:
- ૩૫ હજાર કારીગરોની હડતાળ: તળાજા અને મહુવાના ૩૦ થી ૩૫ હજાર રત્નકલાકારો છેલ્લા ૮ દિવસથી સજ્જડ હડતાળ પર.
- કલેક્ટરને રજૂઆત: માલિકો તરફથી પ્રતિસાદ ન મળતાં આખરે કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
- મુખ્ય માગણીઓ: વેતનમાં ૩૦ ટકાનો વધારો, દર મહિનાની ૭ તારીખ સુધીમાં બેંક ખાતામાં જમા પગાર અને મહિલા કામદારો માટે સમાન વેતન.
- મોંઘવારીનો માર: છેલ્લા ૬-૭ વર્ષથી મજૂરીના દરમાં વધારો ન થતાં તહેવારોના સમયે પરિવાર ચલાવવો કફોડો બન્યો.
- સંપૂર્ણ બંધની ચીમકી: ઉકેલ ન આવે તો સમગ્ર ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ કરવાની અલ્ટીમેટમ.
મોંઘવારીમાં પગાર વધારા સહિતની વિવિધ માગ સાથે કલેક્ટરને આવેદન ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના અંદાજે ૩૦ થી ૩૫ હજાર રત્નકલાકારો છેલ્લા આઠ દિવસથી સજ્જડ હડતાળ પર ઉતર્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતાં, આજે મોટી સંખ્યામાં કારીગરોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર પાઠવ્યું હતું. રત્નકલાકારોએ વધતી મોંઘવારી મુજબ પર પીસ અને ફિક્સ પગારમાં ૩૦ ટકાનો વધારો કરવા, દર મહિનાની ૭ તારીખ સુધીમાં વેતન સીધું બેંક ખાતામાં જમા કરાવવા, મહિલા કામદારોને સમાન કામ સમાન વેતન આપવા, ૧૦૦ ટકા હીરા જમા લેવા, મફતમાં કામ કરાવવાની પ્રથા બંધ કરવા તેમજ નવા લેબર કોડનું ચુસ્તપણે પાલન કરાવવાની ઉગ્ર માગ કરી છે.
છેલ્લા ૬-૭ વર્ષથી દરોમાં વધારો ન થતાં તહેવારોના સમયે આર્થિક સંકટ રત્નકલાકાર આદેશ બારૈયાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારી બમણી થઈ ગઈ હોવા છતાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી કારીગરોના મજૂરીના દરમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. આગામી સમયમાં સાતમ-આઠમ અને રક્ષાબંધન જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે પરિવારનું ઘર-ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો ભગવાનદાસ દાણીધરીયા અને ભાવેશ ટાંકના જણાવ્યા મુજબ, લેબર ડિપાર્ટમેન્ટની મધ્યસ્થતામાં યોજાયેલી બેઠકમાં માલિકો તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતાં આખરે કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડી છે.
સમગ્ર જિલ્લામાં હીરા ઉદ્યોગ બંધ કરવાની આક્રમક ચીમકી કારીગરોની રજૂઆત સાંભળીને કલેક્ટરે ટૂંક સમયમાં ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી સકારાત્મક નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું છે. જોકે, યુનિયન દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જો પ્રશ્નોનું યોગ્ય નિવારણ નહીં આવે તો સમગ્ર ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ સાથે જ હડતાળમાં જોડાયેલા કારીગરોને નોકરીમાંથી છૂટા ન કરવા કે આર્થિક અને માનસિક રીતે હેરાન ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
