મુખ્ય હાઇલાઇટ્સ:
- આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયાએ અમરેલીની હનુમાનપરા સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.
- શાળામાં વીજળી ચાલુ થતાં જ લોખંડના ગેટ, દરવાજા અને રેલિંગમાં કરંટ ફેલાતો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ.
- ૯ વર્ગખંડ સામે માત્ર ૨ ઓરડા ચાલુ હાલતમાં, માસૂમ બાળકો ભોજનાલય અને ઓસરીમાં બેસવા મજબૂર.
- ૨૪ કલાકમાં કરંટની સમસ્યા દૂર કરવા અને નવા વર્ગખંડો બનાવવા માંગ; નહીંતર ઉગ્ર આંદોલનની આપ દ્વારા ચેતવણી.
આમ આદમી પાર્ટીના નેતાએ શાળાની મુલાકાત લઈ પોકળ વાસ્તવિકતા ઉઘાડી પાડી
ગુજરાતમાં શિક્ષણ મોડેલ કાગળ પર ચમકે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયાએ અમરેલી શહેરની હનુમાનપરા સરકારી પ્રાથમિક શાળાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શાળાની અત્યંત દયનીય સ્થિતિ અને તંત્રની ઘોર બેદરકારીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. આપ નેતાએ ભાજપ સરકારના ૩૨ વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા.
વીજળીનો જીવલેણ કરંટ અને વર્ગખંડોની ભારે અછત
શાળાની મુલાકાત દરમિયાન અત્યંત ગંભીર અને જીવલેણ ખામીઓ જોવા મળી હતી. શાળામાં લાઈટ-પંખા ચાલુ કરવામાં આવે ત્યારે લોખંડના મુખ્ય ગેટ, દરવાજા અને રેલિંગમાં વીજળીનો કરંટ ઉતરે છે, જે માસૂમ બાળકો માટે ભારે જોખમી છે. આ ઉપરાંત બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના સેંકડો વિદ્યાર્થીઓ માટે ૯ વર્ગખંડ સામે માત્ર ૨ ઓરડા જ ચાલુ હાલતમાં છે. પૂરતી જગ્યા ન હોવાથી બાળકો ગંદકી વચ્ચે જમીન પર, ઓસરીમાં અને ભોજનાલયમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
તાયફા અને પ્રચાર માટે બજેટ છે પણ બાળકોની સુરક્ષા માટે નથી: નિકુંજ સાવલિયા
સરકાર સામે સીધા સવાલો ઉઠાવતા નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં તાજેતરમાં જ ૧૫મી ઓગસ્ટના સરકારી મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો, પરંતુ શહેરની મધ્યમાં આવેલી આ શાળામાં બાળકોને બેસવા માટે એક બેન્ચ કે પૂરતો વર્ગખંડ નથી. સરકાર પાસે પ્રચાર, તાયફા અને ફોટોસેશન માટે અઢળક બજેટ ઉપલબ્ધ છે, પરંતુ માસૂમ બાળકોના જીવ બચાવવા અને સુરક્ષિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પૈસા નથી તે અત્યંત શરમજનક છે.
આમ આદમી પાર્ટીની કડક માંગણીઓ અને આંદોલનની ચેતવણી
આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે હનુમાનપરા પ્રાથમિક શાળામાં વીજળીના કરંટની જીવલેણ સમસ્યાનું ૨૪ કલાકમાં નિવારણ લાવવામાં આવે. આ સાથે જ જર્જરિત વર્ગખંડો તોડી યુદ્ધના ધોરણે નવા ઓરડા, બેન્ચ અને પાકી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવે તથા ગુનાહિત બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાયદેસરની તપાસ થાય. જો તાત્કાલિક ધોરણે શાળાનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ આપવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
