મુખ્ય હાઇલાઇટ્સ:
- જન આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખી અમરેલી એસઓજી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.
- લાઠીની મેઈન બજારમાં આવેલી ચામુંડા ડેરી ફાર્મની બે દુકાનો પર પાડવામાં આવ્યા દરોડા.
- સરકાર દ્વારા પ્રતિબંધિત એવા ૧૯ કિલોગ્રામ શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરાયો.
- ગેરકાયદે વેચાણ કરતા મુકેશભાઈ મકવાણા અને કેશુભાઈ મકવાણા નામના બે સગા વેપારી ભાઈઓ સામે ગુનો દાખલ.
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા જિલ્લા પોલીસ વડાની કડક સૂચના
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં જન આરોગ્ય સાથે ચેડાં કરતી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિને જળમૂળથી નાબૂદ કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ અંગે બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી.
ચામુંડા ડેરી ફાર્મની બે દુકાનો પર ત્રાટકી પોલીસ અને ફૂડ વિભાગની ટીમ
એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સના આધારે લાઠી ટાઉન વિસ્તારની મેઈન બજારમાં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને એક સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં બજારમાં આવેલી ‘ચામુંડા કોલ્ડ્રિંક્સ ડેરી ફાર્મ એન્ડ કેક શોપ’ નામની ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી બે અલગ-અલગ દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતા તંત્રને મોટી સફળતા મળી હતી.
૧૯ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત અને આરોપી વેપારીઓની અટકાયત
આ દરોડા દરમિયાન બંને દુકાનોમાંથી સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ આશરે ૧૯ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ દુકાનના સંચાલકો (૧) મુકેશભાઈ વલ્લભભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૪૬) અને (૨) કેશુભાઈ વલ્લભભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૫૦) (બંને રહેવાસી – ખોખાડાંગરના ચોરા પાસે, લાઠી, જીલ્લો અમરેલી) નામના વેપારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.
અમરેલી એસઓજી ટીમની પ્રશંસનીય કામગીરી
લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવેલી આ સફળ કામગીરી અમરેલી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઈશરાણીના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ પોપટાણી તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વાગતભાઈ કુંવરીયા અને જનકભાઈ કુવાડીયા દ્વારા ખડેપગે રહીને સંયુક્ત રીતે અંજામ આપવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
