મુખ્ય હાઇલાઇટ્સ:
- ભુરખીયા નજીક બાઇક ચાલકને લિફ્ટના બહાને હનીટ્રેપમાં ફસાવી અપહરણ અને બ્લેકમેઇલિંગ કરનાર ગિરોહ પકડાયો.
- બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૨.૫૦ લાખની માગી હતી ખંડણી.
- સીસીટીવી કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ૧૦૦ ટકા મુદ્દામાલ (રૂ. ૫૮,૦૦૦ રોકડા અને ૪ સ્માર્ટફોન) રિકવર.
- પકડાયેલા આરોપીઓ સુરત, વડોદરા અને અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
લિફ્ટ માગીને સરોવર પાસે ફોટા પાડવાના બહાને ફસાવ્યા
લાઠી તાલુકામાં બનેલી ચકચારી હનીટ્રેપ ઘટનાની વિગત મુજબ, એક આધેડ પોતાની દીકરીની તબિયત પૂછવા મોટરસાયકલ લઈને દામનગર જઈ રહ્યા હતા. તે સમયે લાઠી ભવાની સર્કલ પાસે એક મહિલા આરોપીએ હાથ ઊંચો કરી ભુરખીયા સુધીની લિફ્ટ માગી હતી. ભુરખીયા ગેટ પાસે સરોવર નજીક પહોંચતાં જ મહિલાએ ફોટા પાડવાના બહાને મોટરસાયકલ ઊભું રખાવ્યું હતું. આ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ કાર લઈને આવેલા અન્ય સાગરીતોએ બાઇકની આગળ કાર ઊભી રાખી રસ્તો રોકી લીધો હતો.
અપહરણ કરી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવી
કારમાંથી ઊતરેલા શખ્સોએ “કેમ આ બેનને મોટરસાયકલમાં બેસાડી છે?” તેમ કહી બળજબરીથી બાઇક ચાલકને પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારની અંદર તેમને ઢીકાપાટુનો માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની, બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૨,૫૦,૦૦૦ ની ખંડણી માગી હતી. આરોપીઓએ બળજબરીથી ફરિયાદીના મોબાઇલના ગુગલ પે મારફતે પોતાના સ્કેનરમાં રૂ. ૫૮,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં જ તપાસ ધમધમાટ શરૂ કરાયો હતો.
સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સથી ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
ભાવનગર રેન્જ આઈજી આર. વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ લાઠી પીઆઈ એમ. બી. એસુરા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવ સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ પરથી કારનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર મેળવ્યો હતો. આરોપીઓ માત્ર વોટ્સએપ કોલથી વાતચીત કરતા હોવાથી અમદાવાદ અને ભાવનગર પોલીસની મદદથી ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવી ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ. ૫૮,૦૦૦ રોકડા અને રૂ. ૪૦,૦૦૦ ની કિંમતના ૪ મોબાઇલ મળી કુલ ૧૦૦ ટકા મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત અને ગુનાહિત મોડસ ઓપરેન્ડી
પોલીસે ઘનશ્યામભાઈ ઉર્ફે શ્યામ ધીરુભાઈ લાઠીયા (રહે. હાલ સુરત, મૂળ મહુવા), નિલેશભાઈ અશોકભાઈ ગૌસ્વામી (રહે. હાલ સુરત, મૂળ સાવરકુંડલા), રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા (રહે. હાલ સુરત, મૂળ ચલાલા) અને હેતલબેન નરેશભાઈ સોરઠીયા (રહે. હાલ સુરત, મૂળ અમરેલી) ની ધરપકડ કરી છે. આ ટોળકી સુરતથી અલગ-અલગ જિલ્લાઓમાં મહિલાઓનો ઉપયોગ કરી લોકોને હનીટ્રેપમાં ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. આ આરોપીઓ સામે સુરત, વડોદરાના કપુરાઈ, અમદાવાદ ગ્રામ્ય અને તારાપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી પીઆઈ એમ. બી. એસુરા, પીએસઆઈ કે. કે. પાંડવ, એએસઆઈ શક્તિસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ કામળીયા, મનીષભાઈ જાની તથા પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ, સુનિલસિંહ રાઠોડ, અસરફભાઈ મલેક અને વિજયભાઈ તલસાણીયા દ્વારા પાર પાડવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
