મુખ્ય હાઇલાઇટ્સ:
- કલેક્ટરની કડક સૂચનાથી લીલીયા મામલતદાર અને પોલીસ ટીમે શેત્રુંજી નદી પટમાં પાડેલા દરોડા.
- પુતળિયા ગામ નજીક ફિલ્મીઢબે પીછો કરીને રેતી ભરેલા ડમ્પર અને ટ્રકોને દબોચી લેવાયા.
- ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકેની આગેવાની હેઠળ વાહનો સીઝ કરાયા.
- મસમોટી ખનિજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને કામગીરી સામે સ્થાનિકોમાં ઊભા થયા ગંભીર સવાલો.
પુતળિયા ગામ નજીક ફિલ્મીઢબે પીછો કરી વાહનો પકડાયા
અમરેલી જિલ્લા કલેક્ટરના કડક માર્ગદર્શન હેઠળ લીલીયા તાલુકામાં બેફામ બનેલા રેતી માફિયાઓ સામે વહીવટી અને પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. મોડી રાત્રે લીલીયા મામલતદાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શેત્રુંજી નદીના પટમાં દરોડા પાડીને સપાટો બોલાવવામાં આવ્યો હતો. પુતળિયા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને નીકળેલા ડમ્પર અને ટ્રક ચાલકોને રોકવાનો પ્રયાસ કરાતાં નાસભાગ મચી ગઈ હતી. તંત્રની ટીમોએ ફિલ્મીઢબે પીછો કરીને રેતી ભરેલું ડમ્પર સ્થળ પર જ ઝડપી લીધું હતું, જ્યારે અન્ય ડમ્પર ચાલકો રેતી ખાલી કરીને ભાગવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયા હતા.
સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ વાહનો સીઝ કરાયા
આ સફળ ઓપરેશન લીલીયાના ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકેની સંયુક્ત આગેવાની હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ ટીમો બનાવીને વાહનો ભાગી છૂટે તે પહેલાં જ તેમને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ વાહનોને તાત્કાલિક ધોરણે લીલીયા મામલતદાર કચેરી ખાતે લાવીને સીઝ કરવાની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈએ જણાવ્યું હતું કે કલેક્ટરની સૂચના મુજબ ગેરકાયદે ખનન સામે ભવિષ્યમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે.
રેવન્યુ અને પોલીસે પાડી રેડ, ખાણ ખનીજ વિભાગ શંકાના દાયરામાં
સ્થાનિક કક્ષાએ આટલી મોટી ગેરકાયદેસર ખનિજ ચોરી ચાલતી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સંપૂર્ણપણે ઊંઘતું ઝડપાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેવન્યુ અને પોલીસ વિભાગે દરોડો પાડીને લાખો રૂપિયાની ખનિજ ચોરી પકડી પાડતાં જ ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. તંત્રના આ કડક વલણથી સમગ્ર પંથકના રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
