મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ભારે વરસાદને પગલે ધંધુકા-બગોદરા હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.
- મંત્રીઓએ મટોડા, મોડાસર, વિંછીયા અને માણકોલ સહિતના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારોની જાતમુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો.
- પાણીનો ઝડપી નિકાલ કરવા, રાહત સામગ્રી પહોંચાડવા અને આરોગ્ય વિષયક કામગીરી માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ અપાઈ.
અતિવૃષ્ટિને પગલે ધંધુકા-બગોદરા હાઇવે બંધ: તંત્ર દ્વારા ટ્રાફિક એડવાઇઝરી જાહેર
અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સલામતી માટે ધંધુકા-બગોદરા હાઇવે આગામી સૂચના સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહનચાલકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપીને વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે.
- ધંધુકાથી અમદાવાદ જવા માટે: વાહનચાલકોએ ફેદરાથી આંબલી એક્સચેન્જ થઈને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવાનો રહેશે.
- અમદાવાદથી ધંધુકા જવા માટે: બગોદરા કટથી વેજળકા એક્સચેન્જ થઈને ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી આંબલી એક્સચેન્જ અને ત્યાંથી ફેદરા તરફ જવાનું રહેશે.
- તારાપુરથી ધંધુકા જવા માટે: વટામણથી પીપળી થઈ ફેદરા તરફનો માર્ગ પસંદ કરવાનો રહેશે.
- ધંધુકાથી તારાપુર (વડોદરા અને સુરત તરફ) જવા માટે: ફેદરાથી પીપળી થઈ વટામણ તરફનો રસ્તો ખુલ્લો મુકાયો છે. ટ્રાફિક પોલીસના માર્ગદર્શનનું પાલન કરવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.
સાણંદ અને બાવળા તાલુકામાં મંત્રીઓનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
બીજી તરફ, અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અનુસાર શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. મંત્રીઓએ મટોડા, મોડાસર, વિંછીયા અને માણકોલ સહિતના ગામો તેમજ ભરાયેલા પાણીથી પ્રભાવિત થયેલા ઔદ્યોગિક વિસ્તારોમાં રૂબરૂ જઈને સ્થાનિક નાગરિકો સાથે સ્થિતિ અંગે સીધી વાતચીત કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક: રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ
અસરગ્રસ્ત વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યા બાદ મંત્રીઓએ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક અગત્યની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓએ પૂરના પાણીનો ઝડપી નિકાલ કરવા, અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી રાશન અને રાહત સામગ્રી પહોંચાડવા તેમજ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા વહીવટી તંત્રને જરૂરી દિશાનિર્દેશો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગાંધીનગર (પ્રવાસી પત્રકાર: રાજેશ પરીખ)
