મુખ્ય હાઇલાઇટ્સ:
- કલેક્ટરશ્રીનું માર્ગદર્શન: અમદાવાદ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ધોળકા, બાવળા અને સાણંદ તાલુકામાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
- સુરક્ષિત સ્થળાંતર: ધોળકાની ધવલ સોસાયટીમાંથી ૧૨૬ અને ત્રાસદ ગામમાંથી ૯૫ લોકો તેમજ બાવળાના બલદાણા ગામમાંથી એસ.ડી.આર.એફ. દ્વારા ૧૨૧ લોકોને બોટ મારફતે સલામત સ્થળે ખસેડાયા.
- સગર્ભા મહિલાની જિંદગી બચી: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સક્રિયતા દાખવી એક સગર્ભા મહિલાને સફળતાપૂર્વક હોસ્પિટલ પહોંચાડી.
- કંપનીના કામદારોનું રેસ્ક્યૂ: એકમે ફ્યુઅલ સિસ્ટમ કંપનીમાં ફસાયેલા ૩૫ કારીગરોને સુરક્ષિત બહાર કાઢી તેમના માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરાઈ.
- સાણંદમાં પાણીનો નિકાલ: સાણંદ ચોકડીથી રેલવે ફાટક સુધી ભરાયેલા પાણીના નિકાલ અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા જેસીબી મશીનરીની મદદ લેવાઈ રહી છે.
અમદાવાદ જિલ્લામાં સર્જાયેલી અતિભારે વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન અને સઘન મોનિટરિંગ હેઠળ ધોળકા, બાવળા અને સાણંદ તાલુકામાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રના તમામ વિભાગો, પોલીસ વિભાગ, એસ.ડી.આર.એફ. (SDRF) અને ૧૦૮ની ટીમો ચોવીસે કલાક ખડેપગે રહીને પ્રભાવિત નાગરિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહી છે.
ધોળકા તાલુકામાં પૂરના પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. ધોળકાની ધવલ સોસાયટીમાંથી અંદાજે ૧૨૬ લોકો અને ત્રાસદ ગામમાંથી બોટની મદદથી ૯૫ જેટલા નાગરિકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અપાર મુશ્કેલીઓ વચ્ચે ૧૦૮ની ટીમે ઉત્કૃષ્ટ માનવતા અને સેવાભાવ દર્શાવતા પૂરના પાણીની વચ્ચેથી એક સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી સરાહનીય કામગીરી કરી છે. આ ઉપરાંત, બાવળા તાલુકાના બલદાણા ગામમાં પણ પૂરના પ્રકોપ વચ્ચે એસ.ડી.આર.એફ.ની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં બોટ મારફતે પાણીમાં ફસાયેલા અંદાજે ૧૨૧ લોકોને બહાર કાઢીને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
ઔદ્યોગિક ક્ષેત્રે પણ તંત્ર દ્વારા સમયસૂચકતા દાખવવામાં આવી છે. વરસાદી પૂરના પ્રવાહને કારણે એકમે ફ્યુઅલ સિસ્ટમ કંપનીમાં અટવાઈ પડેલા ૩૫ જેટલા કારીગરો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રાહત કામગીરી કરાઈ હતી. તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ ૩૫ વર્કર્સને હેમખેમ બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેઓ માટે રહેવા તેમજ જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી તરફ, સાણંદ પંથકમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. સાણંદ ચોકડીથી રેલવે ફાટક સુધી ભરાયેલા વરસાદી પાણી અને કચરાને દૂર કરવા માટે જેસીબી મશીનરીની મદદ લેવામાં આવી રહી છે. રસ્તાઓ ઝડપથી સાફ કરીને બંધાયેલા વાહનવ્યવહારને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા અવિરત કામગીરી જારી રાખવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સર્જાયેલી આ કુદરતી આપદા સામે પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા પળેપળની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
