મુખ્ય હાઇલાઇટ્સ:
- લાંચ માંગનાર અધિકારી: મધ્યઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગનો જૂનિયર કલાર્ક જય દિનેશ કુલકર્ણી રૂ. ૨,૦૦૦ ની લાંચ લેતા પકડાયો.
- ઘટનાસ્થળ: દાણાપીઠ ખાતે આવેલી એ.એમ.સી. સ્ટાફ કેન્ટીન ખાતે એ.સી.બી.એ છટકું ગોઠવી કાર્યવાહી કરી.
- કુલ લાંચની રકમ: મકાનના ટેક્ષબિલમાં નામ દાખલ કરવા કુલ રૂ. ૫,૦૦૦ માંગી રૂ. ૩,૦૦૦ અગાઉ સ્વીકારી લીધા હતા.
- સફળ ટ્રેપ: જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એ.સી.બી.એ રૂ. ૨,૦૦૦ ની રકમ રીકવર કરી આરોપીને ઝડપી પાડ્યો.
અમદાવાદ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એ.એમ.સી.)ના પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાલઆંક આંખ કરવામાં આવી છે. દાણાપીઠ ખાતે આવેલી સરદાર પટેલ ભવન સ્થિત એ.એમ.સી. કચેરીની સ્ટાફ કેન્ટીનમાં એ.સી.બી.ની ટીમે સફળ છટકું ગોઠવીને ટેક્ષ વિભાગના એક જૂનિયર કલાર્કને રૂ. ૨,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકાનના ટેક્ષબિલમાં નામ દાખલ કરવા માંગી હતી લાંચ
બનાવની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના મકાનના ટેક્ષબિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરાવવા માટે એ.એમ.સી. મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, દાણાપીઠ ખાતે અરજી કરી હતી. આ અરજી મંજૂર કરવાના બદલામાં ત્યાં વર્ગ-૩ માં જૂનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષીય જય દિનેશ કુલકર્ણીએ ફરિયાદીની ઓફિસે જઈને રૂ. ૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂ. ૩,૦૦૦ ફરિયાદી પાસેથી અગાઉ તેમની ઓફિસમાં મેળવી લીધા હતા અને બાકીના રૂ. ૨,૦૦૦ બે-ચાર દિવસમાં ચૂકવી આપવા માટે જણાવ્યું હતું.
સ્ટાફ કેન્ટીનમાં ગોઠવાયું છટકું, કલાર્ક રંગેહાથ ઝડપાયો
ફરિયાદી નાગરિક બાકીના રૂ. ૨,૦૦૦ ની લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એ.સી.બી. નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. ની ટીમે આયોજનબદ્ધ રીતે દાણાપીઠ એ.એમ.સી. ની સ્ટાફ કેન્ટીન ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી જય કુલકર્ણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી. ની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધો હતો અને લાંચની સમગ્ર રકમ રીકવર કરી લીધી હતી.
એ.સી.બી.ની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી
આ ટ્રેપની કામગીરી અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. ડી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ એકમના મદદનીશ નિયામક એમ. એચ. પુંવારના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. એ.સી.બી. દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અહેવાલ: મહેશભાઈ જળું
