મુખ્ય હાઇલાઇટ્સ:
- આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ: સેક્સ પાવર વધારવાની દવાની આડમાં ચાલતા છેતરપિંડીના નેટવર્કનો સીઆઇડી ક્રાઈમ દ્વારા ખુલાસો.
- નકલી પોલીસનો ખૌફ: દવા મંગાવનારા ગ્રાહકોને કાયદાકીય ફસામણનો ડર બતાવી ૧ લાખ સુધીની ખંડણી ઉઘરાવાતી હતી.
- હાઈટેક કોલ સેન્ટર: અમદાવાદના વસ્ત્રાલમાં ૧૫ સીટર કોલ સેન્ટર દ્વારા હજારો લોકો સાથે કરોડોની છેતરપિંડી.
- ૭ આરોપીઓની ધરપકડ: મુખ્ય સૂત્રધાર દેવેન્દ્રસિંહ રાજાવત અને અન્ય ટેલિફોન ઓપરેટરો ઝડપાયા.
- ભારે માત્રામાં પુરાવા: ૪૪ મોબાઈલ, ૨૩ સીપીયુ, અને અનેક નકલી કંપનીઓના રબર સ્ટેમ્પ કબજે કરાયા.
નકલી પોલીસ બનીને લોકો પાસેથી લાખોની ખંડણી ઉઘરાવતું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું: દેશભરના હજારો લોકો બન્યા શિકાર
અમદાવાદ: સોશિયલ મીડિયા પર સેક્સ પાવર વધારવાની આયુર્વેદિક દવાની લોભામણી જાહેરાતો આપીને નિર્દોષ લોકોને ફસાવતું એક મોટું આંતરરાજ્ય ઓનલાઇન છેતરપિંડીનું રેકેટ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે પર્દાફાશ કર્યું છે. વસ્ત્રાલ વિસ્તારમાં ધમધમતા એક હાઈટેક કોલ સેન્ટર પર દરોડો પાડીને પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દવા વેચવાના બહાને ગ્રાહકોને નકલી પોલીસ બનીને ડરાવી લાખો રૂપિયા પડાવતી હતી.
દવા મંગાવનારા ગ્રાહકો જ બનતા હતા શિકાર આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને જે લોકો દવા મંગાવતા, તેમને કોલ સેન્ટરના કર્મચારીઓ ફોન કરી નકલી તબીબી નિષ્ણાત તરીકે વાત કરતા. ત્યારબાદ, ગ્રાહકને એવી ધમકી આપવામાં આવતી કે તેઓએ મંગાવેલી દવા પ્રતિબંધિત છે અને તે કાયદેસરનો ગુનો બને છે. ગ્રાહકોને તેમના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે એસપી ઓફિસના નામે ખોટી એફઆઈઆર અને ધરપકડનો ભય બતાવી કેસ રફેદફે કરવાના નામે ૨ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની રકમ ખંખેરવામાં આવતી હતી.
કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક ઈટાવાનો રહેવાસી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઉત્તર પ્રદેશના ઈટાવાનો રહેવાસી દેવેન્દ્રસિંહ રાજાવત આ આખા ગેરકાયદેસર ધંધાનો માસ્ટરમાઈન્ડ છે, જે અમદાવાદના વસ્ત્રાલમાંથી ૧૫ સીટરનું કોલ સેન્ટર ચલાવતો હતો. આ ગેંગ ગ્રાહકોને આકર્ષવા માટે દરરોજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ૩૦ હજાર રૂપિયા જેવો જંગી ખર્ચ જાહેરાતો પાછળ કરતી હતી. અત્યાર સુધીમાં દેશભરના અંદાજે ૪ થી ૫ હજાર નિર્દોષ લોકો આ ટોળકીના શિકાર બનીને કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. આ ટોળકી હવે ઉત્તર પ્રદેશના બીધુના ખાતે પણ નવું કોલ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં હતી, તે પહેલા જ પોલીસે દરોડો પાડી તેને પકડી પાડી છે.
મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે કોલ સેન્ટરમાંથી ૪૪ મોબાઈલ ફોન, ૨૩ સીપીયુ, લેપટોપ, કોલર આઈડી ફોન, પેન ડ્રાઇવ અને ગ્રાહકોને ડરાવવા માટેની સ્પેશિયલ ટ્રાન્સસ્ક્રપ્ટ કબ્જે કરી છે. આ ઉપરાંત તન્વી એન્ટરપ્રાઈઝિસ, અસ્વાની આયુર્વેદ, ડી આર આયુર્વેદ અને આયુશક્તિ આયુર્વેદ જેવી બોગસ પેઢીઓના ૫ નકલી રબર સ્ટેમ્પ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. સીઆઇડી ક્રાઈમની ટીમ દ્વારા હવે આ ગેંગના અન્ય છૂપા નેટવર્ક અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
