મુખ્ય હાઇલાઇટ્સ:
- લાંબા ગાળાની યોજના: વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધી અમદાવાદ જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના લાગુ.
- વિશાળ લક્ષ્યાંક: જિલ્લાના ૨,૨૮૫ હેક્ટર વિસ્તારમાં ઓછા અંતરે (સીએસટી) કપાસનું આધુનિક વાવેતર કરાશે.
- મફત કીટ વિતરણ: ૫,૦૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૧૩,૫૦૦ની કિંમતની બિયારણ અને દવાની ઇનપુટ કીટ વિનામૂલ્યે મળશે.
- ઉત્પાદનમાં બૂસ્ટ: નવી વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસના ઉત્પાદનમાં ૧૫% થી ૨૫% સુધીનો વધારો મેળવી શકાશે.
- કટોકટી નિયમ: પાકની ઊંચાઈ રોકવા માટે નિયત સમયે ખાસ દવાનો છંટકાવ કરવો ફરજિયાત રહેશે.
- મહત્વની શરત: યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી અને આધાર કાર્ડ-બેંક વિગતો સબમિટ કરવી જરૂરી છે.
ધંધુકા અને ધોલેરા સહિતના તાલુકાઓમાં ૨,૨૮૫ હેક્ટરમાં આધુનિક પદ્ધતિથી થશે વાવેતર; ઉત્પાદનમાં ૨૫ ટકા સુધીના વધારાનો અંદાજ
અમદાવાદ જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા એક મહત્વકાંક્ષી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦ ble૨૬-૨૭થી વર્ષ ૨૦૩૦-૩૧ સુધીના પાંચ વર્ષના ગાળા માટે ‘કપાસ ઉત્પાદકતા મિશન – કપાસ ક્રાંતિ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કપાસની ઉત્પાદકતા વધારવી, ખેતીનો ખર્ચ ઘટાડવો અને અંતે ખેડૂતોની આવક બમણી કરવાનો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, વિરમગામ, ધોળકા અને દેત્રોજ જેવા કપાસના મુખ્ય ગઢ ગણાતા વિસ્તારોને આ યોજનાનો વ્યાપક લાભ મળશે.
૨,૨૮૫ હેક્ટરમાં ઓછા અંતરે વાવેતર અને ખેડૂતોને તાલીમ
ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન અમદાવાદ જિલ્લામાં કુલ ૨,૨૮૫ હેક્ટર જમીન વિસ્તારમાં ઓછા અંતરે કપાસ વાવેતર પદ્ધતિ (સીએસટી) લાગુ કરવાનું ભૌતિક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૩૫ હેક્ટર વિસ્તારમાં સંકલિત પાક વ્યવસ્થાપન (આઈસીએમ) પદ્ધતિ અપનાવવામાં આવશે. ખેડૂતો આ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે જિલ્લામાં કુલ ૨૧ જેટલા ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે.
હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ની સહાય: કીટમાં મળશે આ વસ્તુઓ
ઓછા અંતરે કપાસનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦ની સહાય મંજૂર કરાઈ છે. જેમાંથી રૂ. ૧૩,૫૦૦ની કિંમતની ગુણવત્તાયુક્ત ઇનપુટ કીટ ખેડૂતોને વિનામૂલ્યે સીધી આપવામાં આવશે. આ સરકારી કીટમાં બી.ટી. કપાસ બિયારણના ૪ પેકેટ, ૧ કિલો ટ્રાયકોડર્મા વીરીડી, ૧ લીટર નીમ ઓઇલ, ૨ કિલો માઇકોરાઇઝા, ૫૦ કિલો દિવેલી ખોળ અને ૧ લીટર એનપીકે કન્સોર્ટીયમ જેવા જરૂરી તત્વોનો સમાવેશ થાય છે. જ્યારે સંકલિત પાક વ્યવસ્થાપન (આઈસીએમ) પદ્ધતિ અપનાવનારા ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૭,૫૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
શું છે આ સીએસટી ટેકનોલોજી? ઉત્પાદનમાં થશે મોટો ફાયદો
આ આધુનિક કૃષિ પદ્ધતિમાં કપાસના છોડ વચ્ચે ૯૦ સેમી ગુણ્યા ૩૦ સેમીનું અંતર રાખવામાં આવે છે. આ નવી ટેકનોલોજીના કારણે પ્રતિ હેક્ટર છોડની સંખ્યા વધીને આશરે ૩૭,૦૦૦ જેટલી થાય છે, જે પરંપરાગત પદ્ધતિમાં માત્ર ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ જ રહેતી હતી. કૃષિ યુનિવર્સિટીની ભલામણ અનુસાર આ પદ્ધતિથી કપાસના ઉત્પાદનમાં ૧૫% થી ૨૫% સુધીનો ધરખમ વધારો થઈ શકે છે. જો કે, આ પદ્ધતિમાં પાકની ઊંચાઈ નિયંત્રિત કરવા માટે વાવેતરના ૬૦ થી ૭૦મા દિવસે મેપીક્વાટ ક્લોરાઇડ ૫ ટકા એએસ દવાનો છંટકાવ કરવો ફરજિયાત રહેશે.
ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત: વહેલા તે પહેલાના ધોરણે લાભ
આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે. ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલી હોવી અનિવાર્ય છે, તેના વગર આ યોજનાનો લાભ મળશે નહીં. અરજી કરવા માટે ખેડૂતોએ ૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે પોતાના ગામના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ યોજનામાં લાભ ‘વહેલા તે પહેલા’ના ધોરણે આપવામાં આવશે. તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ ખોટો લાભ લેતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સહાય વસૂલવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા ખેતીવાડી કચેરી, અમદાવાદનો સંપર્ક કરવા જણાવાયું છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ:
