મુખ્ય હાઇલાઇટ્સ:
- રોજગારીનું સર્જન: આ નવા પ્લાન્ટથી રાજ્યમાં અંદાજે ૫૦૦૦ જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે.
- વિશાળ ઉત્પાદન ક્ષમતા: શરૂઆતમાં વાર્ષિક ૨૦ કરોડ ચિપ બનશે, જેનું ભવિષ્યનું લક્ષ્ય વાર્ષિક ૫૦૦ કરોડ ચિપ બનાવવાનું છે.
- ત્રિપક્ષીય ભાગીદારી: ભારત, જાપાન અને થાઈલેન્ડ વચ્ચેના સંયુક્ત પ્રયાસો અને તકનીકી ભરોસાનું અનોખું મોડલ.
- મોબાઈલ ક્રાંતિ: ભારત આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક અને નિકાસકાર દેશ બન્યો.
- સંપૂર્ણ સેવાઓ: આ પ્લાન્ટમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન અને લોજિસ્ટિક્સ સપોર્ટ જેવી એન્ડ-ટુ-એન્ડ સેવાઓ મળશે.
ભારત જે ધારે છે તે કરીને બતાવે છે: વડાપ્રધાન મોદી
આ ઐતિહાસિક અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ એ વાતનો જીવતો-જાગતો પુરાવો છે કે ભારત જે ધારે છે તે કરીને બતાવે છે. પાંચ વર્ષ પહેલાં આપણે દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આપણે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે આગળ વધ્યા છીએ. વડાપ્રધાને યાદ કર્યું હતું કે વર્ષ ૨૦૨૪માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર તેમને મળ્યો હતો, ત્યારબાદ વર્ષ ૨૦tag૫ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપનું કામ શરૂ થયું અને આજે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે.
સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને હવે ચિપ બાય ચિપ
વડાપ્રધાને આ પ્લાન્ટને ભારત, જાપાન અને થાઈલેન્ડના સંયુક્ત પ્રયાસોનું પ્રતિક ગણાવતા ઉમેર્યું કે, આ માત્ર એક બિઝનેસ વેન્ચર નથી પરંતુ ટેકનોલોજી, ભરોસા અને ભાગીદારીનું એવું મોડલ છે જે ભારતની સેમિકન્ડક્ટર સફરને નવી ગતિ આપશે. સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ખૂબ જ ઝડપી ગતિ પકડી રહ્યો છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને હવે ચિપ બાય ચિપ આગળ વધી રહ્યા છીએ. આ ફેસિલિટી આગામી સમયમાં ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ક્ષેત્રોના વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.
એક દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૭ ગણો વધારો
પીએમ મોદીએ ભારતમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગનો આ વિસ્તાર અચાનક નથી થયો. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર એટલે કે ઇલેક્ટ્રોનિક્સની આખી વેલ્યૂ ચેઈન ભારતમાં જ ઉપલબ્ધ હશે, આ જ વિકસિત ભારતનો રોડમેપ છે. આજે ભારતનું કુલ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ૨૦૧૪ની સરખામણીમાં અંદાજે ૭ ગણું વધી ચૂક્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં અંદાજે ૧૧ ગણો જંગી વધારો નોંધાયો છે.
દૈનિક ૧.૫ કરોડ ચિપ્સના નિર્માણ તરફ આગળ વધતું ગુજરાત
સાણંદમાં માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ હવે કેન્સ સેમિકોન અને સી.જી. સેમી દ્વારા ઓએસએટી સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે. ઓએસએટી પ્લાન્ટમાં ચિપનું ફાઇનલ ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની મહત્વની કામગીરી કરવામાં આવે છે. હાલમાં અન્ય એક પ્લાન્ટના નિર્માણનું કાર્ય પણ પ્રગતિમાં છે. આ બંને સુવિધાઓ કાર્યરત થતાં આગામી સમયમાં અહીં રોજની કુલ ૧.૫ કરોડ ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે, જે ભારતને આત્મનિર્ભરતા તરફ દોરી જશે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
