અમરેલી:
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના જથ્થાનું ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ ઇન-ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળની ટીમે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લાખો રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળેલી બાતમી મુજબ, બગસરા-ડેરી પીપળીયા ચોકડી પાસે એક ઇસમ પોતાની રીક્ષામાં શંકાસ્પદ અનાજ ભરીને તેની હેરફેર કરી રહ્યો હતો. LCBની ટીમે વોચ ગોઠવીને સ્થળ પર દરોડો પાડ્યો હતો અને રીક્ષા સાથે શંકાસ્પદ અનાજનો જથ્થો વહન કરતા આસિફ અબ્દુલભાઇ કાલોન્દ્રા (ઉંમર વર્ષ ૩૫, રહે. કુંકાવાવ નાકા પાસે, બગસરા) નામના ઇસમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ૧૧૭૦ કિલોગ્રામ વજનના ૨૬ કટ્ટા ઘઉં (કિંમત રૂ. ૩૧,૬૦૦) અને ૧૨૮૨ કિલોગ્રામ વજનના ૨૬ કટ્ટા ચોખા (કિંમત રૂ. ૩૫,૯૦૩) તેમજ હેરફેરમાં વપરાયેલી રીક્ષા (રજીસ્ટ્રેશન નં. GJ-04-T-6774, કિંમત રૂ. ૩૦,૦૦૦) મળી કુલ રૂ. ૯૭,૫૦૩/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર મામલે પકડાયેલ આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે બગસરા મામલતદારને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીને અમરેલી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની આગેવાની હેઠળ LCB ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ આદિત્યભાઇ બાબરીયા દ્વારા અત્યંત સચોટતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો.
અહેવાલ ભાવેશ વાઘેલા
